અતિ દીર્ઘ આશા

કલાપીનો કેકારવ

હું તો માનવી 'હું' ! વિશ્વ ના હું ! બ્રહ્મ ના ! જ્ઞાની નહીં !હજુ તો ઉછરતા પ્રેમમાં છે અજ્ઞ તું એ હું સમી !

માયા અલકલટ તું તણી;તુજ ગાલની આ સુરખીઃતુજ નેત્રની મીઠી ઝરીઃતુજ પાંખ ત્યાં બાંધી પડી !

કોકિલ તણો ચાળો રમી,તિરછી નમાવી આંખડી,મુજ કાળજે મીઠી છરી,દેવી ત્‍હને રુચી રહી !

કુંજે એકલાં બે ચાલવા,કદિ સ્મિતફુવારે મ્હાલવા,કદિ પાદમાં આળોટવા,હજુ આ ઉરે હોંશો ભરી !

આ છાતી પરે કૈં હાંફવું,આ હાથ ઝાલી હીંચવું,મુજ બાગનું ફુલડું થવું,તેમાં ના ત્‍હને તૃપ્તિ હજી ?

મનનું બધું મનમાં ભર્યું,આ વિશ્વ ત્યાં વચમાં નડ્યું;હાવાં ગીત એક જ આ રહ્યું,ગાવું ગીત આંસુડાં ભરી.

'આંસુ' નામ જે અળખામણું,તેમાં એ નિસાસે દાઝવું,દુઃખમાં સદા સુખ માનવું !જો, એ લ્હાણ શી છે આપણી ?

જીવ જાળવી પણ રાખવો,તે એ એક કૈં આશાભર્યો,વ્હાલાંએ હુકમ એવો કર્યો;ઠરી મૈત્રી એવા અન્ધની !

કહે છે, 'લાખ જન્મો પામશો !'સાથે લાખ જન્મો માનશો !'હાવાં લ્હાવ રોવાની લીઓ !'પાણીનું પતાસું ઝિન્દગી !'

પોતાની ન દૃષ્ટિ જ્યાં પડે,જેને માનતાં પોતે ડરે,એવી આશ આપણને ધરે ?લેવી તે ય આભારી બની !

ભૂલી આપવીતી સૌ જતાં !જ્યારે દર્દ જોવાં પારકાં !વ્હાલાં દૂરનાં તે દૂરનાં !જીવ્યું કોણ પર પોતે ગણી ?

કદિ હોય સાચું ત્‍હોય શું ?આ તો જીવવું એળે ગયું !

ખારાં આંસુમાં ચાલ્યું જવું !એ સૌ કોણ ભોગવશે પછી ?

નટવો ચડે દોરી પરે,ચૂકી આંખ તો નક્કી મરે,મળે મોજ કે ના યે મળે;એવો દોર આશા આ, સખિ !

પ્‍હેલાં તો મરીને દાઝવું !ઉન્હી ખાક થઈને ઊડવું !કાંઈ તે પછી મીઠું ઠર્યું !તેમાં તું કહે શું ? બોલની !

ત્‍હારાં ભ્રૂ અને તુજ આંખ આ,ત્‍હારૂં અંગસૌષ્ઠવ આજ આ,ત્‍હારૂં સર્વ આનું આજ આ,તેમાં આ જિગરની પ્રીતડી !

બાળ્યા પછી એ કોણ દે ?વ્હાલાં તો રડી ભૂલી જશે !

ભૂતો આપણાં રોતાં હશે !એની અન્યને તે શી પડી ?

વર્ષા બધીય વહી જશે,ત્યારે શું પછી જલદોદયે ?ના ના માવઠે જગ જીવશે !તે એ કોણ જાણે ક્યાં વળી !

Comentarios

Cargando comentarios…