અસ્વસ્થ ગૃહિણી
કલાપીનો કેકારવ
શાન્ત છે, બન્ધ છે આંખો, કાંઈ દર્દ કમી દિસે;ત્હોય છે તપ્ત ને ઢીલાં કોમલાંગો હજુ જ્વરે.
ખુલ્લા રહ્યા છે મૃદુ ઓષ્ઠ ન્હાના,નિદ્રા મહીં છે સુકુમાર બાલા;ન અંગ એકે જરી એ હલાવે,ઉઠે ન ઉઠે ફરી કોણ જાણે ?
ધગેલા એ બિછાનાની પાસે કોઈ યુવાન છે;'રખે તે જાગતી,' તેવી ભીતિ તે મુખ ઉપરે
યુવાન શ્વાસે ડરતો લીએ છે,ચિન્તા ઊંડી એ ઉરના ઉરે છે;છે નેત્ર એ મ્હોં ઉપરે ઢળેલાં,ક્ષણે ભીંજાતાં, ક્ષણમાં સુકાતાં.
'મધુર ફુલડાં ! આવી આવી પીલાશ ધરીશ ના !'તુજ ભ્રમરને એ હૈયેથી ન દૂર કરીશ, હા !'યુજ નયન આ મીંચયેલાં જરીક ઉઘાડજે !'પ્રણયી ડરતો કાંઈ આવું મુખે નિરખી, અરે !
નથી એ સાંભળ્યા શબ્દો, ત્હોયે આંખ ઉઘાડતી;ટાંગેલું ચિત્ર કો સામે, ત્યાં તે દૃષ્ટિ લગાડતી.
તહીં ચિત્રે કો બે રમત કરતાં બાલક દિસે,ગુલાબો શાં બન્ને મધુર વદનો એ સ્મિત કરે;રમાડે તેઓને કમલવદની કોઈ લલના,મૃદુ કુંળી તાજી મુખ પર હસે યૌવનદશા.
ઝરા પાસે ઝુંડો તરુવર તણાં દૂર દિસતાં,લતા ને ગુલ્મોની વિટપ પર પુષ્પો ઝૂકી રહ્યાં;કુણો સન્ધ્યાભાનુ સુરખી ભરતો સૌ સ્થલ પરે,ડૂબન્તો ભાસે ત્યા જલધિવીચિથી સિક્ત બનતો.
દેખતાં રંગ એ રાતા આકાશે ચિત્રમાં રૂડાબને નેત્રો કંઈ ભીનાં, ઘેનમાં લવતી જરા :
'અહહહા ! હશે ચિત્રના સમું'ગૃહની બ્હાર આ વિશ્વ કૈં રૂડું !'નવ દીઠું કદી એમ ભાસતું !નિરખવું ન તે કોઈ દી હવે !
'મધુર પુષ્પ ઓ ! વેલડી સખિ !'પ્રણયથી તને હું ઉછેરતી !'નવ કદી હવે સિંચવી તને !'મધુર પુષ્પ ના ચૂંટવાં હવે !
'મધુર પુષ્પ ઓ ! એ જ બાગનાં !'મુજ બિછાતની પાસ કૈં પડ્યાં !
'અરર ! પ્રેમની ગ્રન્થિએ જડ્યાં !'મુજ જ્વરે અરે ! ક્ષીણ સૌ બન્યાં !
પ્રણયી પુષ્પ ઓ ! ખીલતાં રહો !'મુજ પિયુ તણા હારમાં વસો !'નવીન રંગ તું વિશ્વ ધારજે !'ન તુજ લ્હાણ હું પામતી ભલે !'
'પ્રિય પ્રિય સખિ ! આ શું ? આ શું ? ન આમ ઘટે થવું ?'કરુણ હરિએ ત્હારે માટે હજુ સુખ છે ભર્યું !'તુજ કર વતી ચુંટાયેલાં ફુલો કરમાય ના,'મધુર ફુલડાં તે આ કંઠે હજુ બહુ ધારવાં !'
નયન પર છવાતાં અશ્રુનું એક બિન્દુ,અટકી ચૂપ થયો એ કંઠ રૂંધાઈ જાતાં;દરદ કંઈ કમી એ થાય છે સુન્દરીનું,મૃદુ નયન ફરીથી શાન્ત મીચાઈ જાતાં.
નિદ્રા શી ગાઢ શાન્તિમાં ફરી એ ગૃહ ડૂબતું,પડે ત્યાં પાંચ વાગ્યાની ટકોરી ઘડિયાળમાં.
ફરી નયન ઉઘાડી સુન્દરી ચિત્ર જોતી,અરર ! નયનમાંથી અશ્રુની ધાર વ્હેતી;ટપટપ ટપકન્તાં બિન્દુડાં લૂછી નાખી,કરુણ સ્વર વળી એ ધ્રૂજતો નિકળે છે :-
'અરર ! બાલુડાં ! બાપલાં ! અહો !'જનની આ હવે સ્વર્ગમાં જતી !'સમજશો નહીં શું થઈ ગયું !'રમકડું કયું હાથથી ગયું !
'વિસરી શે જશો છાતી બાપડી !'ઉપર જે તમે કૂદતાં સદા ?'વિસરી ના શકે બાલ માતને !'રમત તો હવે રોઈને કરો !
'તમ પિતા સદા વ્હાલ રાખશે !'પણ ન માતની ખોટ ભાંગશે !
'નહિ નહીં મળે મા ગઈ ફરી !'જગતમાં નકી મા બને નહીં !
'દિવસ બે સહુ લાડ પૂરશે !'દિવસ બે દયા સર્વ રાખશે !'પણ ન છાતીએ કોઈની તમે !'રઝળતાં હવે એકલાં રહો !
'બહુ કરી શકી વ્હાલ હું નથી !'કદિ રડાવતી હું ઘણું હતી !'તમ દિલો ક્ષમા આપશે મને !'પણ ન માતને ચેન કૈં પડે !
'અરર ! બાપલાં બાલુડાં ! અરે !'તમ પરે હવે ઢાલ ના રહી !'રડતી દૂર જે બે ઘડી થતાં !'અરર ! તે હવે દૂર સર્વદા !
'ત્યજી દઉં નકી સ્વર્ગ, બાપલાં !'ઘડીક તેથી જો હર્ષમાં રહો !'સહુ હવે સદા બોલશે રડી,'જનની છે જરા ગામ કો ગઈ !'
'અરર ! એ તમે કેમ માનશો ?'રડી રડી મુખો ના સુકાવજો !'નવ જવું ગમે ગામ એ મને !'પણ ન ઠેલી એ સાદ કો શકે !
અરર ! ના શકું શાન્તિમાં મરી !'હૃદય ઝીલતું ભાર આ નથી !'પ્રભુ તણી કૃપા પામજો સદા !'સહુ અનાથનો એ જ નાથ છે !
'જરીક મ્હોં હવે જોઈ તો લઉં !'ક્યમ ભલા નથી આવતાં અહીં !'કદિ ન ખેલમાં ખોટી હું કરૂં'તમ કને નહીં કોઈ દી રડું !
'પણ મને તમે દેખતાં જ કાં'મૃદુ મુખો જરા ગાભરાં કરો ?'દિવસ બે હવે હર્ષથી રમો !'પછી સહાયમાં માતની દુવા !'
થંડીએ કમ્પમાં ગાત્રો શબ્દો બંધ થયા; અનેપિયુ એ લૂછતો અશ્રુ દૃઢ છાતી કરી કહે :
'અરે ! વ્હાલી ! વ્હાલી ! રુદન તુજ ભેદે હૃદય આ,'ન કૈં રોવા જેવું, પણ ન મુજ હૈયું સ્થિર રહે;'પ્રભુની સામે જો, તુજ જિગરને શાન્ત કરજે,'ત્યજે શાને આશા ? પ્રભુ તણી અહીં જે પ્રતિકૃતિ.'
દૂબળો હસ્ત એ ઊંચો થઈને પિયુને ગ્રહે,છાતીએથી ચાંપતી છાતી સુન્દરી ડુસકાં ભરે.
ફરી નયન ઉઘાડી સુન્દરી ચિત્ર જોતી,અરર ! નયનમાંથી અશ્રુની ધાર વ્હેતી;ટપટપ ટપકન્તાં બિન્દુડાં લૂછી નાખી,કરુણ સ્વર વળી એ ધ્રૂજતો નીકળે છે :
'વ્હાલા ! વ્હાલા ! તુજ હૃદયને ચીરનારી થઈ હું !'તે બાલાના મૃદુ હૃદયને રેંસનારી થઈ છું !'બચ્ચાં તો તે પ્રભુ અનુગ્રહે ઉછરી કાલ જાશે !'કિન્તુ ઘા આ મુજ જિગરથી કેમ ભૂલી જવાશે ?
એ તો મ્હારી સરલહૃદયા, મેં જ તેને ઉછેરી !'મીઠી ત્હારી હૃદયઝરણી નાચતી ત્યાં જ ચાલી !'વ્હાલા ! મ્હારૂં જીવિત લઘુ આ મોહ તેમાં જ પામી,'છૂરી તીખી પ્રણયી દિલડાં ઉપરે કાં ઉગામી ?
'જૂદાં કીધાં ! કદિ ન મળશો ! ઝિન્દગી રોઈ રહેશો !'રે રે ! કોની હૃદય બળતાં વિશ્વમાં સહાય લેશો ?'ભોળા વ્હાલા ! તુજ જિગરનું સોબતી કો રહ્યું ના !'ને હું તો આ જખમ દઈને જાઉં છું દૂર વ્હાલા !
'વ્હાલા ! છેલ્લે મુજ કઠિનતા માફી પસ્તાઈ માગે,'માફી દેશે પણ વિસરશે નાથ ! તું કેમ ઘા તે ?
'કેવી રીતે મુજ બળતરા શાન્તિ પામે, અરેરે !'કેવી રીતે તુજ હૃદયનો દાહ હોલાય, રે રે !
'પાપી મ્હારૂં હૃદય ગણતું નાથ ! પાપી તને તો !'રે રે ! જોયું તુજ જિગરના પ્રેમમાં પાપ મેં તો !'તું તો ત્હારે ગગનપડદે સર્વદા ખેલનારો !'વ્હાલા ! હું તો જગત પરના સ્વાર્થનો છેક કીડો !
'ત્હોયે ઢોળ્યો, તુજ રસ સદા સ્નેહથી હું પરે રે !'ધિક્કાર્યો મેં, નવ કદિ ગણ્યું થાય છે શું તને તે !"અર્પું છું' એ કદિ ય સમજી અર્પનારૂં શકે ના,'ને ઔદાર્યે મુજ હૃદયને સાચવ્યું તેં જ વ્હાલા !
'પ્રેમી બાલા ! કરવત બની પ્રેમ હું કાપનારી !'યાચું શિક્ષા કુદરત કને ક્રૂરની ક્રૂરતાની !'રે રે ! વ્હાલાં ! તમ હૃદય તો મૃત્યુમાં મ્હાલનારાં !'ને એ મૃત્યુ મરતી સખીના હસ્તથી પામનારાં !'
થંડીએ કમ્પતાં ગાત્રો, શબ્દો બન્ધ થયા, અનેપિયુ એ લૂછતો અશ્રુ પમ્પાળી પ્રિયને કહે :-
'વ્હાલી ! પ્રાણ ! અરે ! અરે ! હૃદય આ ત્હારૂં જ ત્હારૂં સદા,'તું દેવી, તુજ પ્રેમના ઝરણમાં છે જીવતો જીવ આ !'તે એ છે તુજ આ મહાન દિલના સિન્ધુ તણી માછલી !'વાતો કિન્તુ વીતેલ સ્વપ્ન તણી ના હાવાં ઘટે બોલવી !
'શું હું માફ કરૂં ? અરે પ્રિય સખિ ! શું માફ હું ના કરૂં ?'આપે ઈશ મને અહો ! હૃદય આ ત્હારૂં સદા પૂજવું !'ઓહોહો ! મતભેદની તુટી પડી આજે દિવાલો દિસે !'તો વ્હાલી ! સુખથી ગયા સમયની વાતો કરીશું હવે !'
નયન પર છવાતાં અશ્રુનું એક બિન્દુઅટકી ચૂપ થયો એ કંઠ રૂંધાઈ જાતાં;દરદ કંઈ કમી એ થાય છે સુન્દરીનું,મૃદુ નયન ફરીથી શાન્ત મીંચાઈ જાતાં.
નિદ્રા શી ગાઢ શાન્તિમાં ફરીથી ગૃહ એ પડે;કાચના દ્વારમાંથી ત્યાં સન્ધ્યાનાં કિરણો ઢળે.
Comentarios
Cargando comentarios…