આપની રહમ
કલાપીનો કેકારવ
મિટ્ટી હતો, તે આપનો બંદો બનાવ્યો - શી રહમ !માગી ગુલામી આપની, બખ્શી મહોબ્બત શી રહમ !
આવ્યો અહીં છો દોસ્તદારીનો લઈ દાવો સદા !બોસા દઈ ગાલે જગાડે નિંદમાંથી એ રહમ !
એવી કદમબોસી કરીને કાં લજાવો રોજ રોજ ?છે દિલ્લગી પ્યારી મગર ક્યાં હું અને ક્યાં આ રહમ !
મેંદી બનાવી આપ માટે તે લગાવો છો મ્હને!શાને જબરદસ્તી કરે આ પેર ધોવાને રહમ ?
આ આપને જોઈ લજાતાં બાગનાં મ્હારાં ગુલો;જે ખૂંચતાં કદમે ચડાવે તે શિરે માને રહમ !
હું ચૂમવા જાતો કદમ ત્યાં આપ આવો ભેટવા !ગુસ્સો કરૂં છું, આખરે, તો આપની હસતી રહમ !
ના પેર ચૂમ્યા આપના, ના પેરમાં લોટ્યો જરા;પૂરી મુરાદો તો થવા દો ! માનશું તે એ રહમ!
ના માનતા તો ના કહું, જે જે બનાવો તે બનું:તો એ કદમના ચાર બોસા આપશે શું ના રહમ !
હું જેમ આ ઘટતો ગયો, આપે બ્હડાવ્યો તેમ તેમ;જ્યાં જાં પડ્યું ત્યાં ઝીલવા હાજર ખડી છે આ રહમ!
મ્હારો સિતારો જોઈ આ, તીખા બન્યા છે દુશ્મનો :ગાફેલ છું એ બન્યો, આ આપની જાણી રહમ !
યારી ન છૂપે આપની, છાની મહોબત ના રહે !જાણી ગઈ આલમ બધી, તે ના જવા દેજો રહમ !
આવો ચડાવી છે મૂક્યો આ આપનો આપે ગુલામ,તો મહેરબાની જીરવાયે ! એટલી માંગુ રહમ !
જ્યાં જ્યાં ચડાવો ત્યાં ચડું છું હાથ હાથે લેઈને,હાથછૂટી ના જવાને દમ બ દમ હોજો રહમ !
નીરની સાથે ચડે છે નીરનાં ખીલી ફુલો;ના ઉતરાતું નીર સાથે નીરને છાજે રહમ !
લાખો ગુન્હાઓમાં છતાં છું આપનો ને આપથી;લાજે જબાં, માંગું છતાં આબાદ હોજો આ રહમ!
Comentarios
Cargando comentarios…