એકપતિપત્નીવ્રત
કલાપીનો કેકારવ
સુગન્ધી પુષ્પો જે નવીન મકરન્દે મહકતાંરુચે ત્યાં અર્પે છે નિજ રજ સુગન્ધી રસભરી;સદા સ્વચ્છન્દી આ બુલબુલ તણા હું સ્વર સુણું,નવી પાંખો સાથે લથબથ થઈ જે ગહકતાં.
ન આ કેદી ભાસે કુદરત તણાં સ્થૂલ હૃદયો,બહુ ના દેવાનું પણ દઈ શકે જ્યાં મન ગમ્યું;મૃદુ મીઠા અંશો નિજ હૃદયના ઉત્તમ બધાસદા એ રેડાતા અનુકૂલ અને ઉત્તમ મહીં.
તહીં દેવો નાચે - ગગનપડદે સૂક્ષ્મ હૃદયો,અહો ! એ લ્હાણાં એ નહિ નહિ નકી પિંજર પડ્યાં;મળી જ્યાં જ્યાં જાવા નિજ હૃદય પ્રેરે કુદરતે,મળી ત્યાં જાવાની સહુ હૃદયને છૂટ સરખી.
રુચે છે પ્રીતિને ક્ષણ ક્ષણ કંઈ નૂતનપણું,રુચે છે આત્માને અનુભવ નવામાં વિહરવું;નકી હૈયુંપ્યાલું હૃદયરસ કો એક જ વતીભરાતું ના પૂરૂં, નવ વળી અધૂરૂં રહી શકે.
જનોનાં હૈયાનાં રુદન કરતાં પાત્ર અધૂરાં,ઉરો જ્યાં ખેંચે ત્યાં અરર ! નવ સ્થૂલો જઈ શકે;ઉરો ખેંચી લેવા જનઉર મહીં ના બલ કશું,ઉરો તો ઊડે છે લથબથ થવા સામ્ય નિરખી.
અરે ! પ્રીતિ એ તો જગત પરનું જીવન ઠર્યું,દઈ પ્રીતિ ફેંકી ક્યમ ફરી બને પત્થર થવું ?દિસે પ્હાડોમાં એ પ્રણયમય કોઈ રસિકતા,નવું જોવા થાવા જગત સઘળું યત્ન કરતું.
નવું જોકે કાંઈ જનહૃદયમાં સૂક્ષ્મ સળગે,જનોની પ્રીતિમાં કંઈક ચમકે દેવ સરખું;છતાં કૈં કાલોથી જનઉર રમે સ્થૂલ રમતો,જનોનાં અંગો ને અવયવ સહુ સ્થૂલમયતા.
રહી દૂરે ચાહી જનઉર ન સંતુષ્ટ બનતાં,ચહાતાં સ્થૂલો સૌ નિકટ બનવા યત્ન કરતાં;ઉરો, વૃત્તિ, અંગો, શરીર પરનાં રોમ સઘળાંઉઠાડે કમ્પાવી લથબથ થવા પ્રેમચિનગી.
અરે ! જૂનો સાથી નવીન નવ જો કૈં દઈ શકે,નવું વા કૈં જુદી દઈ લઈ શકે જો નવીનતા;ન કાં તો તે સાથે હૃદય સ્થૂલનું ઐક્ય કરવું ?અરે ! પ્યાસા પ્યાસા જલમય છતાં કેમ મરવું !
મથે સ્થૂલો સર્વે પ્રતિ પલ વધુ સૂક્ષ્મ બનવા,ચડાતાં તૃપ્તિથી અનુભવ લઈને પગથિયાં;ન આડો બન્ધાવી કુદરતક્રમે કૈં ઉચિત છે,પ્રભુની લીલા તો સરલ સહુ ખીલા વગરની.
દિવાલો કૂદીને નવીન બનવાનું થઈ જશે,ધસારા મ્હોટાથી તૂટી પડી દિવાલો પણ જશે;પ્રવાસીને દેવો અઘટિત વૃથા કાં શ્રમ ભલા ?પ્રવાસીનો આવો સમય લઈ લેવો ક્યમ ભલા ?
Comentarios
Cargando comentarios…