એક ઉદાસ દિવસ
કલાપીનો કેકારવ
આકાશે છવરાઇ છે રજ અને વાયુ વહે આંચકે,ના છે વાદળ, ના રવિ, પડી ગઈ મેલી દિશાઓ બધે;આ નીલાં ભુખરાં દિસે તરુ અને ડોલી રહ્યાં સુસ્ત કૈં,ના છે તાપ પરન્તુ આ જ્વર સમી ઉન્હી હવા લાગતી,
ઊડે છે શુક કોઈ તો દુઃખી થતું દેખાય છે ઊડતાં,પાંખોમાં નવ જોર છે ચણ મળી આજે દિસે ક્યાંય ના;કાંઇ લક્ષ્ય વિના અરે ! ભમી રહ્યું એવું દિસે છે મને,જ્યાં ખેંચી લઈ જાય છે પવન ત્યાં જાતું બિચારૂં અરે !
હું એ એમ જ આજ કૈં ભમી રહ્યો, વાડી તળાવે, વને,વાંચ્યું, કાંઈ લખ્યું, સૂતો, ભટકું છું, ના ચેન કૈં એ પડે;ના છે કાંઈ વિચાર , હેતુ નહિ કૈં, બ્હેરી બની લાગણી,ઇચ્છે છે મન આપઘાત કરવા, સૂનું હસે છે, વળી.
સ્વપ્નાં મેં કંઈ ગોઠવ્યાં પણ થઈ મૂર્તિ ન એક્કે ખડી,હૈયાનાં કંઈ દર્દ જોઈ વળતાં, રે ! ઘા ય લાગે નહીં;આવું કાંઈ લખાય છે, પણ અરે ! બેચેની ત્યાં એ રહી.રોવાનું મન થાય છે, પણ ખરે આસું ય એક્કે નહીં
Comentarios
Cargando comentarios…