એક ફેરફાર
કલાપીનો કેકારવ
જુગારે છે જિગર કિન્તુ જુગારીનું ચડ્યું ચાળે!રહ્યું ના કાંઈ એંધાણે! હવે એ લ્હાવ ક્યાં ભાળે?
ભરીને ખ્વાબમાં પીધી મજાથી ઝેરની પ્યાલી!મગર હા! જાગતાં જાગી નસે નસ લ્હાય શી લાગી?
અહો! એ ખ્વાબના ગુલની ગઈ બો ખ્વાબની સાથે,મગર, એ ખ્વાબના કાંટા કહીં છૂપા રહી ભોંકે?
હસ્યો'તો હું - રહી તેની કંઈ અન્ધારમાં યાદી,પરન્તુ આંસુની ધારે હજુ ના આંખ સૂકાવી!
રહી મીઠાશ ના મ્હારે હવે આ આંસુમાં એ છે,હ્રદયને ચીરવામાં એ રહ્યો ના વખ્ત મીઠો તે!
અરે ભીની સદા ભીની રહે છે આંખ મ્હારી આ,જિગર તન્નુરમાં દાઝે - પડે ના એક ફોરૂં ત્યાં.
અરે! કાતિલ તીખું તે જિગરને રેંસનારૂં છે,પરન્તુ પ્હાડનું હૈયું ખુદાએ આ ઘડેલું છે!
અરે! શું ઝિન્દગી આ છે? સહેવી ઝિન્દગાની છે!અભાવે મોતને જીવું! વણજ આ વેઠની મ્હારે!
પડ્યો પાસો નકી ઊંધો, અરેરે ક્રૂર લૂટારો!ઠગારા કિસ્મતે ઢાળ્યો અને હું જીતમાં હાર્યો.
હિનાના રંગથી પ્હાની સનમની રંગતો'તો હું,ઝુકીને બાલમાં તેના ગુલોને ગુંથતો'તો હું.
મગર એ દાંતની મિસ્સી સનમના હાથમાં દેતાં,અરેરે! કોઈ વા વાયો, સનમ, બો, રંગ, સૌ ફીટ્યાં!
મને એ ખ્વાબની ખુશબો, મને એ સોબતી મ્હારો,મને એ હાથનો પ્યાલો, ફરી કો એક દિન આપો!
Comentarios
Cargando comentarios…