કોણ પરવાર્યું

કલાપીનો કેકારવ

અહીં દરવિશ બધા બુઝરગ ખુદાના ઇશ્કખાનામાંમગર એવી સફેદીથી જુવાની કોણ પરવાર્યું ?

અહીં બદલી બધું જાતું : જિગરનાં ચશ્મ ને ચશ્માં !મગર છે વસ્લ એ, રે રે ! સનમથી કોણ પરવાર્યું ?

અહીં માશૂક ના દેતી, કદી દે તે નહીં પૂરું !મગર એ ભીખ માગીને ભીખારી કોણ પરવાર્યું ?

અહીંના આશકો સુરમે કરે છે ગાલને કાળા !મગર માશૂકની સુરખી રડીને કોણ પરવાર્યું ?

અહીં પ્રત્યેક દાણા પર છુપ્યાં ખાનારનાં નામો !મગર પરવા પરાઈથી, અરેરે ! કોણ પરવાર્યું ?

અહીં હરગિઝ છે દર્દે પરેશાની પરેશાની !અગર દર્દી જિગર દર્દે લઈ દમ કોણ પરવાર્યું ?

અહીં ખ્વાબો મળે રાતે: બધાં અન્ધારમાં જાતાં !મગર અફસોસ દી આખો કરીને કોણ પરવાર્યું ?

અહીં અડતું નહીં સીધું દિલે કો એક પણ ખંજર !મગર નીચોવતાં લોહી તડફતાં કોણ પરવાર્યું ?

અહીં સઘળા ખતમ થાતા નશા બેચેનીમાં નાખી !મગર એવા શરાબોને ભરી પી કોણ પરવાર્યું ?

અહીં દાનાઈનું પ્યાલું રહ્યું બસ મોતને હાથે !મગર આ ઝિન્દગાનીની મુરાદે કોણ પરવાર્યું ?

અહીંના આ ફકીરોની કદી ઝોળી નહીં થંડી !મગર એ ખાકમાં દાઝી ફકીરી કોણ પરવાર્યું ?

અહીં ફિટકાર છે લાઝિમ બધી આ પાયમાલીને !મગર લાનત સદા હિઝરાઈ લેતાં કોણ પરવાર્યું ?

Comentarios

Cargando comentarios…