ક્રૂર માશૂક
કલાપીનો કેકારવ
કપાવી માશૂકે ગરદન હમારી કોઈના હાથે !વળી છે રિશ્વતે દૂરે રખાવ્યો મોતને હાથે !
ખુદાઈ મોત પણ તાબે ઈશારે માશૂકે કીધું !જબાં આંખો વગર આવું હમોને લોટવું દીધું !
ખુદાએ પાથરી આપ્યું ફૂલોનું આ બિછાનું ત્યાં,લઈને પાંખડી તોડી રખાવ્યા માશૂકે કાંટા !
નઝર એ શું નથી પ્હોંચી હજુએ આગની પાસે?હજુ અજમાવવું એ જ છે રહ્યું બાકી ખુદા સામે !
અજબ આ દેખતાં મુર્દું બને જોનાર છે પાણી !સનમને કાયદે એવે જહાંને દૂર છે તાણી !
રહેજો સોબતી દૂરે ! વહેજો અન્ય કો પૂરે !મને ના ક્યામતે આશા ! પડ્યા આ ના ફરે પાસે !
જહાં, જૂની, જિગર ન્હાનું, અગર એથી ય કંઈ જુદું !જહાં ન્હાની, જિગર જુનું, અગર એથી ય કંઈ જુદું !
જહાંને વખ્તના જેવી કરે છે વખ્ત વ્હેનારો !સહી જાશે મ્હને એ આ સનમનો ખારનો ક્યારો !
અરે ! જો કોઈને હાથે હજુ ખ્વાહેશ બર લાવે !સનમ રાજી, હમે રાજી, ખુદાની એ જ છે મરજી !
Comentarios
Cargando comentarios…