ગુનેહગાર

કલાપીનો કેકારવ

દાવો:'ગુનેહગારે કદમ તારે ઝુકાવ્યું શિર છે દિલબર!'અરે! ખંજર દીધું કરમાં છતાં ના ઘા હજુ કાં કર?

'ગુનાહ પર શી રહમ? માશૂક! કતલ કર એ હુકમ હકનો!'ડરે તો દે મને ખંજર, ઝબેહ આ દિલ કરૂં હું તો.

'ઉગામે ના, ન ફેંકી દે! ન થા ગુલ, યા ન થા કાંટો!'ન માફી દે, જખમ ના દે! રડી શું આમ આંસુ દે?

'દયા છે તો ન કાં પ્રીતિ? ન કૈં તો શું ન ઇન્ સાફે?'અરેરે! ક્રૂર માયાળુ! મને ઇન્ સાફ કે દિલ દે.

'ન છે કૈં વસ્લનો દાવો! કતલ કર એ મને લ્હાવો!'અદલ કર યા ફઝલ કર તું, કંઈ તો ફેંસલો દેવો!'

ઉત્તર:'કરૂં શું હું? અયે ઝાલિમ! અરે! ત્હારૂં જ આ ખંજર!'ખરે દિલ આ હુલાવ્યું તે અહોહો! આ જ ખંજર!

'અરેરે! દર્દ એ, દિલબર! હું જાણું છું, હું જાણું છું!'વળી ત્હારી જ આ ગરદન જહીં હું બાઝતી હરદમ!

'કતલ થઈ છું! કતલ કરીને કતલ ફરી થાઉં શું? દિલબર!'અરે! જો હોંશ એવી તો કતલ કર, આ રહ્યું ખંજર!

'વળી ખંજર શે ફેંકી દઉં? હતું તે એક દિન સીને!'પડે નીચે બને ટુકડા! ગયો છે તું! ન ખોઉં તે!

'ભલા ઇન્સાફ શું આપું? અરે આ દિલ છે આપ્યું!'મગર રે! એ જિગર ત્હારૂં ગયું તે શી રીતે રાખું?'

યાચના:'અરે! તો આમ શું ઉભી સદા ર્ હેશે લઈ ખંજર?'કદમમાં મોત માગું તે નહીં શું આપશે દિલબર?

'નહીં તડફું, ડરે છે કાં? તું દે કાતિલ કે બોસા!'હવા આ વાય છે બીજી! ગયો દિલબર મળે ના ના!

'જિગર આ ફાટશે, માશૂક! અને તું દેખશે ચીરા!'રહેવા દે તું જોવું એ! જિગર ત્હારૂં કરી લેને!"

સ્વીકાર:'ભલે તો લે મુખે ચુમ્બી! તને હું આવ ભેટું છું!'મગર અફસોસ! દિલ આ તો નહીં ભેટે નહીં ભેટે.'

ભેટ:'અહાહા! શી ખુમારી છે મને આવી ય આ ભેટે!'વફા છું, તો પછી, માશૂક! જિગર પણ ભેટ એ લેશે.'

Comentarios

Cargando comentarios…