ગ્રામ્ય માતા
કલાપીનો કેકારવ
શાર્દૂલવિક્રીડિત
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં?
માલિની
મધુર સમય તેવે ખેતરે શેલડીના,રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !
અનુષ્ટુપવૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !
વસંતતિલકાત્યાં ધૂલ દૂર નજરે ઊડતી પડે છે,ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે;ટોળે વળી મુખ વિકાસી ઊભાં રહીને,તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !
મંદાક્રાંતાધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી,વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાન્ત બેસી રહીને,જોતાં ગાતો, શગડી પરનો, દેવતા ફેરવે છે.
અનુષ્ટુપત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;કૃષિક, એ ઊઠી ત્યારે “આવો, બાપુ !” કહી ઊભો.
શાર્દૂલવિક્રીડિત“લાગી છે મુજને તૃષા, જલ ભરી દે તું મને” બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાઓ જુવે;“મીઠો છે રસ ભાઈ! શેલડી તણો” એવું દયાથી કહી,માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !
વસંતતિલકાપ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,છૂરી વતી જરીક કાતળી એક કાપી;ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.
અનુષ્ટુપ“બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા”,કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.
મંદાક્રાંતાકાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,એકે બિન્દુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?“શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે ?” આંખમાં આંસુ લાવી,બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં
અનુષ્ટુપ“રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ”;“નહિ તો ના બને આવું;” બોલી માતા ફરી રડી.
વસંતતિલકાએવું યુવાન સુણતાં ચમકી ગયો નેમાતા તણે પગ પડી ઉઠીને કહે છે :-“એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ !“એ હું જ છું નૃપ, મને કર માફ ઈશ !
શાર્દૂલવિક્રીડિત‘પીતો’તો રસ મિષ્ટ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું-“આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;“છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો તે હું વધારું હવે,“શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?
ઉપજાતિ“રસ હવે દે ભરી પાત્ર બાઈ !“પ્રભુકૃરુપાએ નકી એ ભરાશે;“સુખી રહે બાઈ! સુખી રહો સૌ,“ત્હમારી તો આશિષ માત્ર માગું !”
વસંતતિલકાપ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,છૂરી વતી જરી જ કાતળી એક કાપી;ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !
Comentarios
Cargando comentarios…