ચંચલ પ્રેમસુખ

કલાપીનો કેકારવ

કટાક્ષમાં ફિક્કાશ કે અવકૃપા શબ્દમાં,વા ભ્રાન્તિ માત્ર એવી સ્નેહી હૃદયમાં–ન્હાના આવા સબબથી દિલ પ્રેમી, અરે! લડે!

⁠નિર્મલ વાતાવરણમાં નૌકા ચાલ્યું સિન્ધુ :⁠તરંગ ઘન તોફાનમાં નડ્યાં ન ડૂબ્યું કિન્તુ :

પણ શાન્ત નભ જ્યારે હતું બેઠું જઈ તળે!જરા વારમાં કસેલું દિલ આમ જ ફીટી પડે!જે હરદમ હતું ગમીના વખ્તમાં પ્રેમી ખરે!

⁠હા! જે ડગતો ના જરી વાઝોડામાં પ્રેમ,⁠ફૂંકે ઊડ્યો તૂટી પડ્યો ફૂટે સીસો જેમ!⁠ચીરો શબ્દો ક્રૂરથી પડ્યો પ્રેમમાં જેહ,⁠ક્રૂરતર વાક્યો વરસશે મ્હોટો કરવા તેહ!

તારામૈત્રી જે જામતી પ્રેમી નયનનીમાધુર્ય તે ઊડી જાશે નેત્રપાતથી!પુષ્પાવલિ દીપાવતી પ્રેમબોલ જે,છૂટી જશે: તૂટી જશે: વિખરાઈ પડશે તે!

⁠મુક્તાહાર તૂટી પડ્યે મોતીડાં પડી જાય:⁠પ્રીતિ સરસર સરી જશે તેમ જ દિલથી હાય!⁠પ્રીતિલથબથ જે હતાં ભોળાં હૈયાં નેક,⁠વાદળ વિખરાયાં સમાં છૂટાં બનશે છેક!

હાસ્યનદનું નાચતું ઝરણ ગિરિ પરે:અખૂટ ને અમાપ દિનરાત જલ ઢળે:

⁠વહ્યુ: ગયું: ફાંટા પડ્યા: રણમાં ગયું સમાઈ!⁠નાચવું, હસવું, ઘૂઘવવું–સર્વે રહ્યું છુપાઈ!⁠તેમ દોર પ્રેમ-સ્નેહ-પ્રીતિનો તૂટે!⁠ન્હાન સુના સબબથી દિલ પ્રેમી કલહ કરે!

* * * *

⁠સુખ જેનો દુ:ખ અન્ત છે તેને ઇચ્છે કોણ?⁠ગ્રન્થિ જે પલપલ તૂટે તે પર નાચે કોણ?અનન્ત કાલ ઘોરવું અન્ધકારમાં,પણ ન મોહ ન માનવો ચપલ જ્યોતિમાં!⁠તેજસ્વી સૌ ઉપટશે કાચા રંગ સમાન!⁠વધુ તેજસ્વી વધુ ચપલ વિજળી તેનું પ્રમાણ!મિષ્ટ સૌ પેદા થયું પ્રેમસૃષ્ટિમાં!હાથમાંથી મિષ્ટતમ થતાં ઊડી જવા!

* * *

⁠ઉલ્લસિત ને સુખમગ્ન ના મુખમુદ્રા તુજ રાખ,⁠કેમ કે ભય આવે હજુ લપતો જાણે વાઘ!

તુજ નેત્ર ભ્રૂપૂર્ણાનન્દમાં ડૂબી જશે,કે તુર્ત ગમગીની તને સાહી લ‌ઈ જશે!

⁠તિમિર દીપ પાછળ રહ્યું, કિરણ પૂઠે રહી છાય!⁠તેમ સર્વ સુખ શાન્તિમાં ભય દુ:ખ સાથે જાય!

તે સૂચવે પ્રેમાન્ધને ‘તુજ સુખ ઉડી જશે.’જ્યારે પ્રેમી બિચારો સુખરેલમાં હશે!

⁠તો ઉલ્લસિત સુખમગ્ન ના મુખમુદ્રા તુજ રાખ,⁠કેમકે ભય આવે હજુ ઊડતો જાણે બાજ !

તુજ નેત્ર ભ્રૂ પૂર્ણાનન્દમાં ડૂબી જશે,કે તુર્ત ગમગીની તને સાહી ગળી જશે!

⁠અરે! અરે આવાં હશે વિધિનાં ક્યમ નિર્માણ?⁠પ્રિયતમ, મધુતમ, મંજુતમ અતિ વેગે ઊડી જાય!

સુવર્ણરંગી ભભક સુખપાંખ પર ચડે,કે પળ એકમાં પ્હોળી કરી આકાશ્માં ઉડે!

⁠જનનયને અશ્રુ મૂકી ધોતાં કૂળા ગાલ,⁠નિજ સુરંપ સંકેલી લે રૂડું અમ્બુદચાપ!

તેમ દુર્વહ દુ:ખઅંડ સેવવા મૂકી,સુખ દૃષ્ટિ બહાર જાય ફરી મળે નહીં!

⁠તો ઉલ્લસિત સુખમગ્ન ના મુખમુદ્રા તુંજ રાખ,⁠કેમ કે ભય આવે, અરે! છૂપતો જાણે સાપ!

તુજ નેત્ર ભ્રૂ પૂર્ણાનન્દમાં ડુબી જશે,કે તુર્ત ખેદ, દુ:ખ, શોક લ‌ઈ તને જશે!⁠૧૪-૬-’૯૩

Comentarios

Cargando comentarios…