જન્મદિવસ
કલાપીનો કેકારવ
ત્રેવીસ વર્ષ મહીં સ્વપ્ન અનેક વીત્યાં,વીતી અનેક દુઃખનીય પરમ્પરા ત્યાં;શું તેટલો જ ઇતિહાસ હશે અમારો ?શું લ્હાણ કાળની મળી બસ એટલી જ ?
યોગો બધા મુજ બહુ પણ જીર્ણ ભાસેને આ હવે હૃદય વૃદ્ધ થતું દિસે છે;બે ચાર જન્મદિવસો વહી કાલ જાશે,ને મૃત્યુની જલદ પાંખ સમીપ થાશે.
મ્હેં પ્રેમમાં તડફતાં મમ શાન્તિ ખોઈ,આનન્દની મધુર પાંખ ન ક્યાંય જોઈ;હૈયું કહે, 'જીવિત એમ જશે જ રોઈ',શું લ્હાણ કાળ ધરશે બસ એટલી જ ?
ક્યાં યે ન શું અનુભવો મુજ સંકળાશે ?શું મૃત્યુ પાછળ નહીં ગતિ કાંઈ થાશે ?મૃત્યુ જ કાજ ઉર શું દુઃખ આ સહે છે ?તો ઝિન્દગી ન જીવવા સરખી દિસે છે !
આજે જ ઝેર મધુરૂં કરી કાં ન પીવું ?સાચું જ હો મરણ તો ક્યમ આમ રોવું ?શું છે પછી અનુભવો કડવા સહીને ?આ ઝિન્દગી ન જીવવા સરખી - અરેરે !
આ ઝિન્દગી દુઃખભરી મુજને મળી કાં ?માગી હતી નવ અને નવ રાખવી છે !શ્રદ્ધા રહી રસ મહીં ય કશી મ્હને ના !અન્ધાર મૃત્યુ મધુરૂં મધુરૂં દિસે છે !
અન્ધાર મૃત્યુ મધુ તો કડવો ઉજાસ,ને સ્વપ્ન ના જીવિત તો નકી સ્વપ્ન મૃત્યુ;છે રાત્રિનો દિવસ કે દિનની નિશા છે ?શું હું હઈશ બસ એક જ સ્વલ્પ સ્વપ્નું ?
કે હું અનન્ત યુગનો તરનાર યોગીજાનાર જે હજુ અનન્ત યુગો તરીને,તે આમ આજ દુઃખ ને દિનને ગણન્તો,આંહીં પડ્યો - અરર ! ચેતનહીન છેક ?
હું સ્વપ્નનો અનુભવી નવ જાણતો કૈં,શંકા પરન્તુ મુજને મુજ સ્વપ્નમાં કૈં,જીવી શકું ન સુખથી, મરી યે શકું ના,જાણી શકું ન જગ છે અથવા નહીં આ.
યોગ્ય જે નિરખવું નિરખે છે,યોગ્ય ના નિરખવું નિરખે શે ?ઝિન્દગી સમજ તો જીવજે, નેમૃત્યુનો અનુભવે સુખેથી લે !
Comentarios
Cargando comentarios…