તરુ અને હું

કલાપીનો કેકારવ

તરુ તે ઝૂલંતાં ગિરિ પર હતો હું નિરખતો,બન્યાં નેત્રો મ્હારાં કંઈક દરદે ત્યાં ગળગળાં;તરુ તો ઝૂલંતાં હજુ ય દિસતાં સૌ સુખ ભર્યાં,નિસાસા આવા એ મુજ હ્રદયનાં તો સુખ હર્યાં.

'તરુના જેવાં એ જનહ્રદયને શું સુખ નહીં?હશે શું દેવોને જનસુખ થકી ન્યૂન સુખડાં?

અગાડી જોતાં શું અધિક અધિકી છે વિષમતા?ગયેલી વેળા શું મધુતર હતી આ સમયથી?'

જડાત્મા થાવાને મુજ જીગરમાં હોંશ ઉલટી,અકારી ભાસી આ જનહ્રદયની જ્ઞાનચિનગી;ગયાં મ્હારાં નેત્રો જલમય થતાં કૈં વધુ વધુ,અને ધીમે ધીમે હ્રદય પર મૂર્ચ્છા પણ ઢળી.

ગયો જાણે જીવે ક્ષણ મહીં તજી આ શરીરને,બન્યો જાણે કોઈ તરુ ઉપરનું બીજ ઉડતું;પડ્યું ક્યાં એ, ઊગ્યું દ્રુમ પણ બને કાળ વહતાં,મહેકંતો લાગ્યો વિટપ વિટપે મૉર નવલો.

દ્રુમે સામે બીજે ઝૂકી રહી હતી યૌવન દશા,હતી તેની સાથે મુજ વિટપને બાથ ભરવી;હતી ત્યાં મ્હારે આ નવીન રજ મ્હારી અરપવી,હતી વિશ્રાંતિની ઉલટ ઉર છાયા લઈ દઈ.

'હતું કો કાળે હું જનહ્રદયમાં વાસ વસતું,કહી, રોઈ, ગાઈ, કંઈક દુઃખ ઓછું ય કરતું.'સ્મૃતિ એવી તાજી હજી પણ રહી'તી હ્રદયમાં,હતાં મ્હારાં પર્ણો ખિલખિલ થતાં સૌ દરદમાં.

ન એ આવે પાસે, નવ પ્રિય કને હું જઈ શકું,વહે વાયુ ઉંધો, નવ રજ સખીને દઈ શકું;જનોના બંધો શા તુટી પણ શકે બંધ નવ આ,વળી આ સ્થિતિમાં નહીં જરી દશાનું પલટવું.

ગયા દહાડા વીતી, સ્મૃતિ પણ ગઈ એ ઝળકની,સહી એ સૌ જાતાં નવીન નવ ઈચ્છા પણ રહી;રહી અંગે અંગે મુજ શરીરમાં વ્યાપ્ત જડતા,વહંતાં વર્ષોમાં કશી ય નવ ભાસે નવીનતા.

દિને કોઈ માથે ધડધડ થતી વિદ્યુત પડી.ગઈ મૂર્ચ્છા, પાછું હ્રદય પણ ત્યાં જાગ્રત થયું;અહોહો! હું આવો ગતિમય થતાં માનવ ફરી,પ્રભુની લીલાની ઉપકૃતિ તણું ગાયન કરૂં.

મ્હને તો ના ભાસી કશી ય જડતામાં મધુરતા,પ્રભુની લીલાને નિરખી શકતી જ્ઞાનમયતા;સહેતાં વ્હેતાં સૌ કઠિન કટુ સીમા ટપી જશો.બને છે તે સર્વે ઉચિત બનતું સૌ નિરખશો.

Comentarios

Cargando comentarios…