ત્યજાયેલીને
કલાપીનો કેકારવ
'કદી ત્હારે હશે રોવું, છુપું કાંઈ સુણાવવું;હશે વા દાઝતા ત્હારા હૈયાને કદિ ઠારવું.
ત્હારૂં અહીં જગતમાં નહિ કોઈ મિત્ર!ત્હારા-અરે! દુઃખ તણી ગતિ કૈં વિચિત્ર!
નૌકા તુટેલ સરખું તુજ ઉર આ છે!જેની મરામત હવે કદી એ ન થાશે.
શોધે સદા હૃદય માનવી માનવીનાંરોવા અને જિગરનાં દુઃખને સુણાવા;એ રાહમાં હૃદય આ તુજને મળ્યું'તું,આશાભર્યા ઉમળકે હસતું બન્યું'તું,
રોવાની તેં મુજથી તાલિમ કિન્તુ લીધી,ઉસ્તાદના જિગરમાં ય કટાર દીધી;વિશ્વે કર્યા ટપકતાં દિલને વિખૂટાં,અન્દાજ અન્તર તણો ન કરાય હાવાં.
આહીં સદા જખમીને જખમી જ શોધે,રોતાં ભીનાં નયનને રડનાર લૂછે;લાધે અહીં ક્વચિત ઘાયલ બે સમાન,એનું ય એ ઘડીકમાં તૂટી જાય તાન.
વચ્ચે પડ્યું પ્રણયમાં પ્રણયી જ! એ શું?ઔદાર્યને પ્રીતિથી દેશવટો મળ્યો શું?શું તું હતું રમકડું કંઈ કાષ્ટ્નું, કેમેં કોઈ કાજ તુજને ત્યજી? વ્હાલી! રે રે!
રે! પામશે જિગર ક્યાં તુજ મેળ હાવાં?રે! ઇશ્કનો તુજ બુખાર જશે હવે ક્યાં?ના દિલ્લગીની કદિ સોઈ કહીંય થાશે,શું ઝિન્દગી તુજ હવે હિજરાઈ જાશે?
હુંને ઘટે ન સુખ વૈભવ ભોગ, વ્હાલી!હુંને ઘટે ફકીરની વરવી જ ઝોળી;તુંને ઘટે ન મુજ કાજ હવે રીબાવું,તુંથી કિન્તુ બનશે દિલ ખાળવાનું.
હું તો બળીશ! બળતાં ઇનસાફ થાશે!તું શું નહીં કુદરતે કદિ ન્યાય પામે?
ના ન્યાય આ જગતમાં મળવો તને છે,એવું જ છે લિખિત તો સહવું જ ત્હારે.
આ બોલતાં જ મરવું મુજને ઘટે છે,કે જંગલે જઈ તહીં પડવું ઘટે છે;આ નેત્રને રુધિરથી રડવું ઘટે છે,હા! આગમાં જઈ સદા જળવું ઘટે છે.
મ્હારૂં હવે જીવિત તો નબળાઈ – વ્હાલી!મ્હારું હવે રુદન આ નબળાઈ – વ્હાલી!એ હસ્ત ત્યાગ કરતાં જ મરી ચૂક્યો છુંને અન્ય મૃત્યુની હવે અભિલાષ રાખું.
રે! એક ઝિન્દગી મહીં કંઈ મૃત્યુ મ્હારે,રે! એક ઝિન્દગી મહીં બહુ જન્મ ત્હારે;ટૂંકાં જ છે જીવિત ને દુઃખભાર મ્હોટા,ને મૃત્યુ પછી કશો રસ સ્વાદ ના ના.
જોઈ હતી - પ્રિય! તને દિન ચાર પ્હેલાં,પીળું હતું મુખ અને સહુ અંગ ઢીલાં;ના નેત્ર તેં તુજ ઉપાડી મને નિહાળ્યો,વા અશ્રુથી ય તુજ ગાલ બન્યો ન ભીનો.
તું એકલી! અરર હા! અહીં એકલી તું,રે રે! અનન્ત દુઃખને દરિયે પડી તું;કોઈ તને મદદમાં મછવો મળે ના,ઓળંગવા ઉદધિ છે બલ કાંઈ ના વા.
ત્હારાં સુખોની કદિ વાત નહીં સુણાશે,ત્હારાં દુઃખોની ઉરમાં ઉન્હી લ્હાય લ્હાશે;હૈયાસુની! હદયની તું અપંગ બાલા!દેખું તને બળી જતી મુજ કલ્પનામાં!
મોંઘાં સદા નયન શું તુજ બન્ધ ર્હેશે?મ્હોંએ ગુલાબી ફરી શું કદિ તું ન પામે?
જભ્ભો - પ્રિયે! હૃદયનો તુજ વ્હાલવાળુંબ્રહ્માંડમાં - અરર! કોઈ ન ધારનારૂં!
કદી ત્હારે હશે રોવું, છૂપું કાંઈ સુણાવવું;હશે વા દાઝતા ત્હારા હૈયાને કદિ ઠારવું.
Comentarios
Cargando comentarios…