દૂર છે
કલાપીનો કેકારવ
જ્યાં ત્યાં કદમ ઇશ્કે ધર્યું, આલમ તહીંથી દૂર છે!એ દૂર છે! દૂરે રહો! આ ઇશ્ક નૂરે નૂર છે! જ્યાં .
આલમ બધી ડાહી બની બીતી બનાવે કાયદા!જો છે ન ડર - છે ના ફિકર તો કાયદા સૌ દૂર છે! જ્યાં.
પીતાં સનમ બીતી હતી જે જે હમે જામો ભર્યા!આલમ મહીં પીતાં ડરી એ સૌ શરાબો દૂર છે! જ્યાં.
ઇશ્કને આલમ લગાડી, આંસુડાં પેદા કર્યાં!જે ઇશ્કનો તેની સનમ દુનિયા મહીં ત્યાં દૂર છે! જ્યાં.
જે ઇશ્કમાં પીવું ઘટે - જે ઇશ્કમાં પાવું પડે -તે પી સદા પાયું હમે - પીતાં ડરીએ એ દૂર છે! જ્યાં.
જેથી અહીં યારી ઉઠી તેથી તહીં દુનિયા થઇ!આ લાખ સીસા પામતાં એ હું અહીં, એ દૂર છે! જ્યાં.
હું બોલતો 'પી પી' અને તે બોલતી 'ના ના' હતી!'ના ના' રહી તેની સદા, હું પી રહ્યો, તે દૂર છે! જ્યાં.
મેં ઝેર પીધું છે! સનમ! છે તો મજા!શા અર્થની?આ આગ થંડી ઉડતી! શું દૂરની તું દૂર છે? જ્યાં.
તું ખુબ પી દુનિયા હવે! આ ઇશ્ક પી પી ચાલતો!'ના ના' કહે કે 'હા' કહે - હાવાં સદા તું દૂર છે! જ્યાં.
તું દૂર છે! આ ઝેર છે! પણ ઇશ્કનું તો પૂર છે!જે ના શરાબે, ના સનમમાં તે હવે ના દૂર છે! જ્યાં.
જે ઝિન્દગીથી ના બન્યું, તે તો મોત આ દેશે કરી!જે મોતથી દૂરે રહ્યું તે ઇશ્કથી યે દૂર છે! જ્યાં.
પીજે શરાબો, ઓ સનમ! આ ઝેર અંતે પામજે!એ છે દુવા પીનારની! પીવું પરન્તુ દૂર છે! જ્યાં.
શા અર્થની મારી મજા? એ છે હવે ના પૂછવું,કૈં પૂછવું કૈં બોલવું, એ ઇશ્કનાથી દૂર છે! જ્યાં.
ઓ ઝેર! દિલના યાર! તું તુજ કામ કર વ્હેલું હવે!ના 'ના' હવે કો બોલશે! એ દેખનારૂં દૂર છે! જ્યાં.
એ આંસુડાં જે આંખ આ કૈં દૂરથી જોઇ શકે!એ આંસુડાં મ્હારૂં જિગર હાવાં - મગર કૈં દૂર છે! જ્યાં.
જે ઝેર દર્દીને થયું વ્હાલું સદા ઇશ્કે અહીં,તે તું જ છે! તે તું જ છે! તહારો નશો કાં દૂર છે? જ્યાં.
શું એકલાને અર્પવું કૈં ઝેરને એ ના ગમે!બીજું નથી કંઇ આલમ મહીં! એ દૂર છે! એ દૂર છે! જ્યાં.
જેને ખુદા પાસે ધરે - જેને ખુદા મ્હારું કરે -તેં આ જિગરનું એ જિગર હુંથી સદા યે દૂર એ! જ્યાં.
Comentarios
Cargando comentarios…