નિર્વેદ
કલાપીનો કેકારવ
હવે મ્હારાં દર્દો રસમય પ્રવાહી નવ બને,ઉરે જામી જામી પડ પર હજારો પડ ચડે;અરે! નિઃશ્વાસો એ દખલ કરનારા થઈ રહ્યા,હવે તૂટું તૂટું મુજ જિગરના થાય પડદા.
ગયા એ અશ્રુના મધુર સઘળા ભાવ શિશુના,હતા તે ના ભાસે રુદન કરવાને મૃદુ સખા;ન દેખું સંસારે નયનજલે માટે સફળતા,કહીં દૃષ્ટિ નાખું? સહુ ગમ ભરી એ કલુષતા.
કવિતા ગાવાને મુજ હ્રદયને ના મન રહ્યું,તહીં ગાતાં પૂરું કદિ પણ નથી અંતર ઠર્યું,જનોની ભાષામાં જગતવિષનો ગંધ પ્રસર્યો,ન શબ્દે કો પૂરો કદિ પણ મળ્યો માર્દવ ભર્યો.
ન ભાવે તારા ને ઉદધિ નહીં વા આ તરુ નહીં,ભરી ભાસે ત્યાં એ કપટ - ચતુરાઈ જન તણી!ન કોઈ ઠેરે છે મૃદુ હ્રદયની વાત સુણવા,ભરેલી છે વિશ્વે કઠિન સઘળે ગ્રામ્યમયતા.
ગયો આંહીં ને ત્યાં ગરલ નિજ નાખી સરપ કો,વિસામાને માટે જરી ય અપવાદે નવ ઠર્યો;નશા ઝેરીમાં આ જગત સઘળું છે લથડતું,ન અર્પાતું પૂરું - કંઈ કંઈ બધે ખાનગી રહ્યું.
મ્હને તે આ શાને રુધિર, નસ, અસ્થિમય ઘડ્યો?અરે! એવામાં શું રુદન કરતો આ રસ કર્યો?ન જાણ્યું ક્યાં બેસું? સમજણ નહીં, ક્યાં શિર ધરૂં?અ રે રે! ના જાણું ક્યમ, શું કરવું આ ઉર તણું?
Comentarios
Cargando comentarios…