નૂતન સખા પ્રતિ
કલાપીનો કેકારવ
નૂતન સખા પ્રતિ
મુજ જિગર આ ક્યાંથી ક્યાંથી ત્હને નજરે પડ્યું ?મુજ જિગર આ – રે રે ! શાને, સખી દિલથી જડ્યું ?રુદનમય ને ઢોળાયેલું વળી રસહીન છે !તુજ તરસ આ મ્હારાં આંસુ - સખે ! ક્યમ છીપશે ?
અહહ ! રણમાં છાયા શોધી ફરી રણમાં પડ્યો !અરરર ! દિશા જૂઠીમાં ત્હેં પ્રવાસ શરૂ કર્યો !વિખરી પડતી હોડી આ તો ત્હને ક્યમ તારશે ?ઉદધિ તરવા આવું ખોખું ! ન સાધન યોગ્ય છે !
દરદ દિલની મ્હારી પાસે નહીં જ દવા - અરે !મુજ દરદની ત્હારી પાસે નહીં જ દવા હશે !રુદન કરશું ત્યાં યે અશ્રુ નહીં મળશે ! સખે !સ્મિત કરીશ તું ! મ્હારે માટે નથી હસવું હવે !
મુજ રુદનની વાતોથી તું રડીશ કદી કદી,તુજ રુદનથી મ્હારી આંખો હવે પલળે નહીં;મુજ નયનને રોવાનો તો સુકાલ વહ્યો ગયો,મુજ જિગરની રેતીમાં તો દુકાળ પડી રહ્યો.
અતિ અતિ, સખે ! મોડું મોડું ત્હને ઉર આ મળ્યું,મુજ હૃદયનું લૂટાવાનું લૂટાઈ સહુ ગયું;રસિક ભ્રમરા ! આ વાડીમાં નથી હસતું ફુલે,મુજ ચમનના ક્યારા સર્વે સુકાઈ લૂખા દિસે.
હૃદયવનના મીઠાબોલા મુસાફર હંસલા !વિપુલ જલના વાસી ! ભોળા ! ન માનસ હોય આ !
શ્રમિત દિસતો ત્હોયે જા જા જહીં તુજ સ્થાન છે !ઉજડ વનમાં શાનો, બાપુ ! કશોય વિરામ છે ?
બહુ ત્યજી ગયાં, છે તે જાતાં, નિવાસ ન ત્યાં ઘટે,તુજ હૃદયની જ્ઞાતિ આંહીં વળી નવ લાધશે;સહુ ત્યજી ગયાં, ધોખો તેનો મ્હને ન મળે કશો,પછી ક્યમ કહું રોકાવાનું ત્હને ઘડી યે ? અહો !
મુજ જિગરના કાંટા તુંને શું આદર આપશે ?કમનસીબની છાયાથી યે ન કૈં સુખ સાંપડે !મુજ જિગર જ્યાં પંપાળે ત્યાં પડે વ્રણ છે ! સખે !દરદમય આ શાને આવી બિછાત મહીં પડે ?
સહુ મધુરતા જેને માટે પ્રભુ ધરતો રહે,અરર – કટુતા પીવા તેને શું શોખ થતો હશે ?મુજ જિગરથી બાઝી - ભોળા ! ખુવાર થઈશ ના,મૃદુ હૃદયની પીડા હુંથી સહાઈ શકાય ના.
મૃદુ હૃદયની પીડા જોઈ જળી જ ગયેલ છું !મૃદુ હદયની પીડા જોવી હજુ ય રહેલ શું ?મુજ હૃદયમાં કાંઈ બ્હોળો દયારસ ના વહે,પણ જખમીને કોઈ દી યે ન ઘાયલ પીડશે.
મૃદુ હૃદય શું ત્હારૂં આંહીં નકી ધરવું કર્યું,મુજ જિગરની સાથે ત્હેં શું નકી મરવું કર્યું;નહિ નહિ - સખે ! જાવા દેને ! ન સાહસ આ ઘટે !હઠ કરીશ ના ! ત્હારૂં હૈયું સલામત ના દિસે !
પણ હૃદય જો ત્હારૂં આંહીં નકી ધરવું કર્યું,મુજ જિગરની સાથે ત્હેં જો નકી મરવું કર્યું;મુજ જિગરની જ્વાલા તો હું ગળીશ સુખે - સખે !તુજ જિગરને જે મીઠું તે ધરીશ સુખે - સખે !
પણ હૃદયના લ્હાણામાં જો હળાહળ સાંપડે,તુજ હૃદયનું હુંમાં ઇચ્છ્યું તૂટી જ પડ્યું દિસે,તુજ અમી તણું મીઠું ટીપું ન રેડીશ – ભાઈ ! ત્યાં,કટુ ઝરણ એ એ બિન્દુથી અમી ન બને કદા.
મુજ જિગરના કાંટા તુંથી નહીં ખરશે - સખે !મુજ જિગરના કાંટા જાતાં ન જીવીશ હું - સખે !પ્રતિ હૃદયને પોતાનાં છે નકી મધુ આંસુડાં,પ્રતિ હૃદયનું છુપું અન્યે ઉકેલી શકાય ના.
મુજ હૃદયનું ખેંચાતા છે ગયું નમી કામઠું,બહુ યુગ જતાં કોઈથી એ થશે ન હવે ઉભું;કંઈ કરીશ તો ત્હારા સર્વે પ્રયાસ વૃથા જશે,રડીશ નહિ તું ! છોડી દેજે મ્હને રડવું ગમે !
Comentarios
Cargando comentarios…