ન્હાસી જતી મૃગી ને ઘવાયેલો મૃગ

કલાપીનો કેકારવ

જરા પાસે ! જરા પાસે ! પારાધિ હજુ દૂર છે;ચોંટેલો કાળજે ઝેરી તાજો ઘા અતિ ક્રૂર છે.

ન તીર સાથે હણનાર પ્હોંચે,ઘા સાથ ના જીવ જતો રહે છે,ઠર્યો નથી ઘા: હજુ રક્ત ઉન્હું,હજી રહ્યું સ્નેહનું ભાન જૂનું.

સૌન્દર્ય આ વિશ્વ તણું ન જોવા,છે કાલ છેલ્લો ઉપભોગનો આ;ત્હારી, પ્રિયે ! એક જ દૃષ્ટિ લેવાહજી ય ઇચ્છા હૃદયે ભરેલ છે.

હવે ટોળું બધું મ્હારૂં ન્હાસી દૂર જતું ભલે;વેદના ઠારવા કિન્તુ ઠેરવું તુજને ઘટે.

બધે પ્હેલી નિજ ઝિન્દગી શું ?હજી શું એ ત્રાસથી કમ્પતી તું ?છે તીર કો અન્ય ન છૂટવાનો !દીર્ઘાયુ તું સાથ કુરંગ આ હો !

નથી અહીં વૈરીનું વૈર લેવું,નથી અહીં શોણીતબિન્દુ દેવું;અહીં રૂડું સ્નેહનું દર્દ સ્હેવું !તહીંય સ્વસ્નેહની આ શી ભીરુતા !

જરા પાસે ! જરા પાસે ! મ્હારો આ વ્રણ ચાટવા !અરે ! વ્હાલી ! હવે તો આ લાગે છે સ્વર ફાટવા !

ભીરુ બન્યાં અંગ બધાં ય જેનાં,કેવાં મૃદુ વ્હાલ સદૈવ તેનાં !વ્હાલી ! છતાં એ સહુ સ્નેહ કાચા,સૌન્દર્ય જો ભવ્ય બની શકે ના.

એ શું બધી દેહ ત્ણી જ માયા ?આત્મા પરે પ્રેમની શું ન છાયા !માની હતી પ્રીતિ વિશાલકાયા,તહીં ય આવી લઘુતા ભરેલ શી !

સ્નેહને તોડવા જાણે મ્હારું આ મન થાય છે;ઝપાટે શ્વાસ આ કિન્તુ ચાલ્યો દૂર જ જાય છે.

અરે ! અહીં છેવટ સર્વ ભાસે,ફલંગ દેવા ન ઇલાજ પાસે,પ્રિયે ! ઘડી પ્રેમની ગ્રન્થિ તેનેકૈં જોઈએ કાલ જ તોડવાને.

બીજા વ્રણેથી ય બચાવવાને,જે માનતો તે જ મનાવવાને,ફલંગ દે એક જ આવવાને !પ્રિયે ! પ્રિયે ! આ તુજ સાથી જાય છે !

જરા પાસે ! જરા પાસે ! બહુ ના, ક્ષણ બે જ છે !પ્રિયે ! તું ચાહતી જેને આ વ્હાલો તુજ એ જ છે !

ત્હને સ્મૃતિ હો અથવા નહીં હો,ભૂલી બધું તું ક્ષણમાં જ, ઓહો !જે રેડતી જીવન મૃત્યુમાં એ.મીઠી સ્મૃતિ આ ઉરમાં તરે તે.

ન ચાહવું, પુરુષથી બને ના !સ્ત્રીજાતિથી સ્નેહ કશો મળે ના !જૂદી જ કૈં પ્રેમ પિછાન દે આ,છતાંય આ ઝિન્દગી તું જ તું મહીં !

અરે ! એ તો સ્મૃતિથી એ જાણે જીવ ફરી વળે !દૃષ્ટિ તું ફેંકતાં તો ઘા રૂઝાઇ ક્યમ ના મળે ?

સ્હવારથી સાંજ સુધી શિકારીથતો હતો પાછળ બાણધારી;જૂદાં થઈ આપણ ભેટતાં તેત્હને ન શું યાદ જરી ય ર્‌હે છે !

હર્ષાશ્રુ દેનાર શિકારીનો એકેવો થતો'તો ઉપકાર ત્યારે !અંગૂર શી નૂતન શીંગડી તેશી થાકને સર્વ હરી જતી હતી !

જરા પાસે ! જરા પાસે ! હર્ષાશ્રુ હજુ આપવા !મૃત્યુમાં ચાલનારાની છેલ્લી લ્હાણ જ ચાખવા !

હર્ષાશ્રુ વ્હાલાં તુજને સદા એ,ત્હને મળું ત્યાં હજુ એ જ એ એ;જે સ્નેહસિન્ધુ મહીં ઉપરિ છે,તે ઊર્મિનો વાસ ત્હને રુચે છે.

જે બિન્દુનો સિન્ધુ બનાવવાનેજે સાગરે સ્નાનથી મ્હાલવાને,વિયોગ તું ઇચ્છતી પામવાને,પ્રિયે ! અહીં તે તુજ કાજ નાચતું !

પ્રિયે ! તું ઇચ્છતી ત્હોયે જુદાઈ ગમતી નહીં !હવે શું અન્તની આવી ત્હને કૈં દમતી નહીં ?

કે શું વિલાસી સહુ અશ્રુઓ તેવિલાસની ઝાકળમાં ગળીને,ઝર્યા કર્યા'તા તુજ નેત્રમાંથીલોભાવવા આ તુજ મૂર્ખ સાથી ?

વિલાસ, જે સ્નેહ તણું જ અંગ !તે આ કરે સ્નેહ તણો જ ભંગ !વિલાસ તો છેક પતંગરંગ -પ્રિયે ! તહીં સ્નેહ ઘટે મિલાવવો.

જરા પાસે ! જરા પાસે ! વિલાસી મૂગલી અહીં !વિના એ નેત્રની છાયા છેલ્લે ચેન પડે નહીં !

કંગાલ છે સ્નેહ વિલાસના એતેમાં જ વીતી મુજ ઝિન્દગી છે;એ આંખ એ આંખ જ ! આંખ ત્હારી;પ્રીતિ નહીં, ક્રૂર છતાં ય પ્યારી !

કંગાલ જેની ગઈ ઝિન્દગી છે,કંગાલ તેનું નકી મૃત્યુ એ છે;કંગાલ આ રક્ત બધું વહે તેપુકારતું એક જ વ્યર્થ ઝાંઝવે !

હવે તું આવતાં પાસે કંગાલી જ વધી જશે !છતાં આ મર્મના ઘાને કંઈ થંડક તો થશે !

અરે ! અરે ! છેવટ સત્ય જોવું,તેથી સદા બહેતર અન્ધ રહેવું !હતી, પ્રિયે ! એક જ દૃષ્ટિ દેવી,છેલ્લી ઘડી થાત અજાણ કેવી !

નવું ભણી ધૂલ મહીં ભળું છું !પ્રિયે ! છતાં મોહ મહીં તરૂં છું !વિકરાલ દાવાદરદે જળું છું !ફરે વળી મૃત્યુની ધ્રૂજ સામટી !

જરા પાસે ! જરા પાસે ! અરે ! શાન્તિ નહીં મ્હને !વિલાસી તું સુખી થાજે ! પ્રભુ શાન્તિ ધરે તને !

Comentarios

Cargando comentarios…