પરવાર્યો
કલાપીનો કેકારવ
દુઃખી દિલદર્દને ગાતાં, જિગરની આહમાં લ્હાતાં,ફના ઇશ્કે સદા થાતાં હવે હું આજ પરવાર્યો !
ન લૂછું એક આંસુ વા કહું હું લૂછવાનું ના !હવે છો ધોધ ચાલે આ ! રડી રોતાં હું પરવાર્યો !
હવે આ આંખમાં ના છે કંઈ દાવો, કંઈ ફરિયાદ,ગમીના જામ એ પાતાં અને પીતાં ય પરવાર્યો !
હવે આ ઝેરનું પ્યાલું છુપાવી શીદ પી જાવું ?તું જો કે રો ! ગમે તે હો ! તમાથી છેક પરવાર્યો !
હતો મારો ચલાવ્યો ત્હેં જિગરને મારતાં હસતાં !મરે ખોખું તહીં રો તો રહમથી હું ય પરવાર્યો !
હું પરવાર્યો ! ન છે પરવા ! સુખે તે ને સુખે તું જા !ખુદાની બન્દગી કરજે ! હું તો એથીય પરવાર્યો !
હતું તેને સદા રોવું ! નવું તો કૈં ન છે દેવું !જતાં જૂનું નવું રોશે ! પછી તેથી ય પરવાર્યો !
હતું હૂલાવવું ખંજર દિલે એ હાથ મ્હારાથી !કરી ઉમેદ એ ત્હારી હવે પૂરી હું પરવાર્યો !
હુકમ જલ્લાદ થાવાનો બજાવ્યો આખરે, દિલબર !હવે એ હુન્નરે કાબિલ થી તુંથી ય પરવાર્યો !
ભણ્યો ત્હારી તુફેલે તે હવે અજમાવવું તું પર !છુરી નીચે નમી તો જો ! કરૂં ઘા ને હું પરવાર્યો !
ખુદાની આંખ ત્યાં રાતી ! મ્હને તેની ન છે દરકાર !ખુદાથી, ઇશ્કથી, સૌથી, મગજ, દિલથી ય પરવાર્યો !
સનમ ! તેનો અને તુજ તે બને જલ્લાદ છો મ્હારો !વહે ત્રણ ખૂનની નીકો ! તહીં હું ન્હાઈ પરવાર્યો !
અરે ! આ હાથ મ્હારાથી દિલે મ્હારી છુરી વાતાં !ન તડકું વા ડરૂં હું ના ! દરદડરથી હું પરવાર્યો !
અદલ ઇન્સાફની ગાદી ખુદાની ત્યાં ચડી જોઉં !પછી આહા ! અહાહાહા ! અહોહોહો હું પરવાર્યો !
Comentarios
Cargando comentarios…