પુષ્પ

કલાપીનો કેકારવ

અહો! મીઠા આત્મા! રસિક કુમળું મ્હોં તુજ હસે,ફુલેલા અંગેથી મનહર રૂડો ગન્ધ પ્રસરે;વસન્તી વાયે છે સમીરલહરી ગેલ કરતી,રમી ત્હારી સાથે મધુર રવથી જાય વહતી!

શિરે ત્હારે વૃક્ષો નવીન ચળકે કુંપળ ભર્યાં,સુતુ’તું મધ્યાહ્ન સુખમય રહ્યાં છાય ધરતાં;હવે સંધ્યાકાલે કુસુમ સરખી મ્હોરકળીની –કરે વૃષ્ટિ ધીમી તુજ પર ધરી વ્હાલ દિલથી!

સુનેરી દીપે છે નભ પર તળે વાદળ રૂડું,ડૂબે નીચે પેલું ક્ષિતિજ પર ત્યાં બિમ્બ રવિનું;તને આલિંગે છે સુકર રવિના ચુમ્બન કરી,તરે તે આકાશે ગરક મકરન્દે તુજ થઈ!

રૂડો જાંબુરંગી સુરસ રસ સંધ્યા સલુણીનો,ધરી પ્રીતિ હૈયે તુજ પર અભિષેક કરતો;ગુલાબી પાંખો આ, સુમન ! તુજ તેજે ચળકતી,દિસે તું સાક્ષાત પ્રણય, રતિ, તે મૂર્તિ સુખની?

અરે વ્હાલા ! વાશે પવન અધિકો ઉષ્ણ બળતો,હશે આ કાલે વા તુજ તરફ એ ક્રૂર ધસતો;તને ચિન્તા ના ના! સુભગ તુજ હૈયું સુખભર્યું,તને ના સ્પર્શે કો વિષમ દુઃખ આ ક્રૂર જગનું !

સુખી આ સંસારે સુખમય નહીં કો’ તુજ સમું,અમારે આનન્દે દિલ પર રહે છે દુઃખ છૂપ્યું,દુઃખી જો ઓછું તો સુખ બસ થયું એમ ગણશે,બિચારૂં ભોળું એ મનુજ સુખ પૂરું ન સમજે!

અમારાં મીઠાં તે રુદનમય છે ગીત સઘળાં,દુઃખે શિખેલાં એ કવિદિલ શિખાવે દુઃખ બધાં;ન નિદ્રામાંયે છે પરમ સુખ વિશ્રાન્તિ અમને,બૂરાં સ્વપનો આવી જનહૃદયમાં કંટક ભરે!

ન આનન્દે ત્હારા બિલકુલ હશે ધ્વંસ કદીએ,ઉદાસીની છાયા તુજ દિલ પરે ના રજ વસે;કરે છે પ્રીતિ તું, સરવ તુજ પ્રેમે ખુશ રહે,અતિ તૃપ્તિની તું સમજ નહિ પીડા પણ ખરે!

સુખી આત્માનું ને પ્રણય જગ ને મૃત્યુ ભવનું –હશે ઊંડું સાચું તુજ હૃદયમાં જ્ઞાન વસતું,ન જે જાણે છે કો’ મગજ કપટી મર્ત્ય જનનું,નહીં તો આવું તું સુખભર રહે કેમ ખીલતું !

ન જાણું તું શું છે? તુજ સમ હશે શું જગતમાં?ન ત્હારા જેવી મેં નિરખી ખુશબો કો’ કુસુમમાં;નહીં તો પૃથ્વીનું, સમ મુજ કહે ક્યાં અવતર્યું?વસ્યું’તું કૈલાસે? શિવશિર પરેથી સરી પડ્યું?

ન તું સ્વાર્થી ને ના કૃપણ તુજ હૈયું જન સમું,ગ્રહી આશા તેથી હૃદય મમ કૂળું તુજ કર્યું;

મ્હને દે તું દીક્ષા, મધુપ તુજ વ્હાલો કર મ્હને,અભેદાનન્દો હું શિખવીશ પછી આ જગતને !

Comentarios

Cargando comentarios…