પ્રિયાને પ્રાર્થના - સન્નિપાત
કલાપીનો કેકારવ
લવાતું આવું કૈં : ધરીશ નવ તેનું દુઃખ, પ્રિયે !પ્રિયે ! મૃત્યુવેળા લવન કરતાં દગ્ધ સઘળાં !પછી મૃત્યુમાં તો નથી નથી કશું કાંઈ વદવું !નથી છેટું તેને, હુકમ કર : હું તત્પર, પ્રિયે !
કહેવાનું મીઠું હજી સુધી, પ્રિયે ! છે બની શક્યું,નથી ખૂંચાવ્યો મ્હેં તુજ ઉર મહીં કંટક કદી;ત્હને ખૂંચ્યાં એ તો કુસુમ સહુ મ્હારા હૃદયનાં,પ્રિયે ! કેવું ભાગ્ય ! પ્રસૂન તુજને કંટક દિસ્યાં !
મશાલો પ્રીતિની તુજ જિગરની ત્હેં પણ રચી,રુચ્યું તેની પાસે મુજ જિગરને નૃત્ય કરવું;પરન્તુ સાચો તો પ્રણયભડકો જે સળગતાં,પતંગોની પાંખો ઘસડી કરતો ભસ્મ સઘળી.
પ્રિયે ! એ વહ્નિમાં મુજ દિલ તણી પાંખ સળગી,હવે ત્હારી પાસે નવ થઈ શકે નૃત્ય કરવું;હવે તો ત્યાં છેલ્લે મુજ જીવનના શ્વાસ વહતા,વસન્તોમાં જેથી મુજ જીવિતને પાનખર આ !
ઘણાંઓને લાવે પ્રણય સુખની માળ સઘળી,વિનોદો જૂઠા એ સુખથી મુખ છો એ હસવતા;મ્હને તો હર્ષોની સરણી દુઃખમાંથી જ મળતી,સખી માટે રોતાં કંઈક હતી શાન્તિ હજુ સુધી.
પ્રિયે ! એ ચ્હેરાનું કવન કર શ્લાઘા કરી કરી,જરા ગાજે ગાજે હજુ પણ, પ્રિયે ! સૌમ્ય સખીનું;અરે ! છેલ્લાં સ્વપ્નો અઘટિત કહી ભૂંસીશ નહીં,બધું તું માને તે તુજ સહ રહ્યું છો, કહીશ ના.
બગાડી ના દેજે મુજ હૃદયની મૂર્તિ મધુરી,બૂરાઈ ત્હારે જો કથન કરવી તો દૂર જજે;પ્રિયે ! ભક્તોની આ ઘટિત નવ કૈં આળ કરવી,નથી સહેવાતું તો મુજ હૃદયને દૂર કર તું.
ન ઇષ્ટોની ગિલ્લા કદિ પણ સહી ભક્ત શકતાં,પ્રિયે ! શ્રદ્ધાળુ છો સુખથી નિજ શ્રદ્ધા સહ રહે;પ્રભુને ચ્હાજે તું, મુજ પ્રભુ નહીં કો અવર છે,ત્હને પાષાણો તે મુજ જિગરનું જીવન ઠર્યું.
સુણે તું ત્હોયે શું ? સુણીશ નહિ ત્હોયે નવ કશું,ઠર્યું છે મ્હારે તો તુજ પદ કને રોઈ મરવું;પ્રભુ આ હૈયાનો તુજ ઘર મહીં વાસ કરતો,પ્રિયે ! ભીખું તેને ગણીશ કટુ ના આ ગરજીને.
રુચે તે રીતે તું મુજ પ્રભુ તણું દાન કરજે,બતાવે શી રીતે ગરજી વળી જે યાચક ઠર્યો ?હું તો ઘેલો એના અધરરસનો લોલુપ સદા,અને ચાવીતાળું અમર રસનું એ તુજ કને.
ત્હને એ મુશ્કેલી કંઈ કંઈ હશે ત્હોય પણ શું ?કદાપિ તે દાને તુજ કર ન લાંબો થઈ શકે ?અરે ! દાતારોની સ્થિતિ ન નિરખે યાચક કદિ,પ્રિયે ! બીજે ભૂખ્યાં હૃદય નવ ધોખો ધરી શકે.
નહીં તું દે તો હું મુજ શિર ધરી દાદર પરે,મરી ખાકે થાતાં રડીશ પદની ધૂળ બનતાં;ન આવો કોઈને હજુ સુધી હશે યાચક મળ્યો;વળી તુંથી અન્યે પ્રભુ તણી હશે લૂંટ ન કરી.
પ્રિયે ! હું જાણું છું મુજ હૃદયઇચ્છયું નહિ મળે,છતાં ત્હારી પાસે રુદન કરવા ટેવ જ પડી;અરે ! કિન્તુ ત્હારો કર ઉપડશે દાન કરવા,પછી તો જાણું છું મુજ ઉર નહીં યાચક રહે.
પ્રિયે ! હું જાણું છું રુદન મુજ તુંને દુઃખ કરે,છતાં એ રોવાનું કમનસીબ છૂપું નવ રહે;ઘણાં સન્નિપાતે જખમી દિલ જેવા બડબડે,ગણી તેવો જૂઠી પણ જરૂર 'હાહા' જ કરજે.
Comentarios
Cargando comentarios…