પ્હાડી સાધુ
કલાપીનો કેકારવ
'ભલા પ્હાડી સાધુ ! વિકટ સહુ આ પન્થ ગિરિના,'તહીં દૂરે દીવા ટમટમ થતા આદરભર્યા;'મ્હને દોરી જા વા જરીક કહી દે માર્ગ ચડવા,'તહીં આ પન્થીને શયન વળી કૈં હૂંફ મળશે.
'ભરી ધીમે ધીમે દિવસ સઘળો કલાન્ત પગલાં,'પ્રવાસી થાકેલો વિધુર ભટકે માર્ગ વિસર્યો;'અજાણ્યાં સર્વે આ તુમુલ વન સીમા વગરનાં,
'શિયાળાની રાત્રિ શરદ શરૂ થાતાં ચમચમે,'ભરેલા તોફાને ગિરિ સહુ અને આ નભ દિસે;'હજુ છેલ્લી છાયા રવિકિરણની પશ્ચિમ પરે,'તહીં પેલા શૃંગે શ્રમિત પણ પહોંચી જઈશ હું.
'સરો આ ઊંચાં ના રજની સહ ભેટી હજુ પડ્યાં,'ગુફાઓ પેલીમાં ઉપર હજુ ના વાદળ ચડ્યાં;'નથી એ ભૂંસાઈ સુરખી બરફે પૂર્ણ હજુ છે,'તહીં પેલા સ્થાને શ્રમિત પણ પહોંચી જઈશ હું.'
કહે સાધુ, 'બેટા ! ન કર શ્રમ ને સાહસ હવે,'તહીં તો ભૂતોની ભયભર બધી ઝાંય સળગે;'મશાલો લોભાવા તુજ નયનને એ ચમકતી,'સહુ એ તો જાળો ગિરિ પર રમે તે મરણની.
'હજી ખુલ્લી મ્હારી પથિક સહુને પર્ણકુટી આ,'બિછાનાં હૂંફાળાં ઝુંપડી મહીં છે ઘાસ પરનાં;'અહીં જોકે હિસ્સો પ્રભુ તરફનો સ્વલ્પ સઘળો,'છતાં એ અર્પાતો સદાય ઉરથી સૌ અતિથિને.
'સુખે ત્યારે બાપુ ! રજનીભર આંહીં વિરમજે,'અહીં જે બક્ષાયું સુખથી તહીં ભાગી પણ થજે;'ત્હને આપું ચાલો શ્રમહર કંઈ ભોજન, અને'બિછાનું વિશ્રાન્તિ, મુજ ઉર તણી આશિષ વળી.
'અહીંનાં કૂદન્તાં હરિણ સહુ સ્વચ્છન્દ રમતાં,'જનોને ધીરીને બતક તરતી જેલમ મહીં;'સુખે પક્ષી આંહીં દિવસભર કલ્લોલ કરતાં,'હથેળીમાં બેસી ચણ લઈ જતાં બુલ્બુલ કંઈ.
'છુરી નીચે પ્રાણી કદિ પણ અહીં ના તડફતાં,'બહુ વેળાથી છે મુજ હૃદયને ત્રાસ હણતાં;'કૃપાલુ શક્તિ જે મુજ પર દયાથી વરસતી,'દયાલુ થાવાને તહીંથી મુજને શિક્ષણ મળ્યું.
'નહીં પાળી એવું ગિરિ ઉપરનું ભોજન ધરૂં,'વિશાળું નીલું આ ફલફૂલભર્યું છે વન બધું;
'વહી જાતી ગાતી શીતલ જલ દે જેલમ અહીં,'અને આ ક્યારાનું ઝરણ સઘળાં પોષણ કરે.
'પ્રવાસી ! ઠેરી જા, ફિકર કર તું દૂર સઘળી,'બધી જૂઠી ચિન્તા જનહૃદયને આ જગતની;'અપેક્ષા લોકોને અતિ લઘુ તણી આ તલ પરે,'અને તે એ ના ના ચિર સમયની ને મળી રહે.'
હવે ધીમે ધીમે મધુર જ્યમ આ ઝાકળ ખરે,મુખેથી સાધુને નરમ ત્યમ એ સુસ્વર ઝરે;પ્રવાસી સાધુની ઝુંપડી ભણી ધીમે અનુસરે,અને એ લજ્જાળુ શ્રમિત મુખડું નમ્ર નમતું.
વિસામાની મૂર્તિ નિજ પથ ભૂલેલા પથિકને,કનેના દીનોને સહુ સુખભર્યા કલ્પતરુ શું,છુપાયેલું દૂરે વિજન સ્થલ નિદ્રસ્થ દિસતું,તહીં કુંજોમાં આ દ્રુમવર નીચે આશ્રમ રહ્યું.
નિશાની ભીતિની કશી ય હતી ના દ્વાર ઉપરે,ન સ્વામીચિન્તાની જરૂર હતી એ આશ્રમ મહીં;જરી ઠેલ્યે દ્વારે સ્વર કરીને નિમન્ત્રે અતિથિને,અને દે આ જોડી ઝુંપડી મહીં નિર્દોષ પગલાં.
હવે ઉદ્યોગી આ સહુ જન વળે છે નિજ ગૃહે,કુટુમ્બો જ્યારે સૌ નિજ ઝુંપડીઓમાં મળી રહે,જગાવી ત્યારે એ શગડી નિજ સાધુ હસમુખોઉદાસી પોતાની અતિથિઉરને સાન્ત્વન કરે.
ધરે છે તે પાસે ફલ ફૂલ સહુ શીતલ, અનેજરા કૈં લેવાને નિજ અતિથિને આગ્રહ કરે;કલાકો લાંબા બે વ્યતીત કરવા ગમ્મત મહીં;મજીરાંની સાથે સ્વર શરૂ કરે છે ભજનના.
સૂતેલો જાગીને શુક મધુર આલાપ કરતો,લવી થોડા બોલો ફરી સ્થિર થઈને સૂઈ જતો;દિવાલે છુપાઈ કંઇક તમરૂં ત્યાં તમતમે,ઉડન્તા અંગારા શગડી પર પાસે તડતડે.
ન દર્દો કિન્તુ કૈં નરમ બનતાં તે અતિથિનાં,કશું યે એ ચ્હેરે સુખની ચિનગી ના પ્રકટતું,ગમી ભારે કોઈ તરુણ હૃદયે વાસ કરતી,અને અશ્રુ મ્હોટાં ટમટમ ખરે ગાલ પરથી.
ગમીને સાધુનું હૃદય દ્રવતું ઉત્તર ધરે,અને ઢોળે ઠંડું નિજ ઉર જરી એ દવ પરે;કહે 'બાપુ ! ક્યાંથી તુજ દુઃખ અરે ! આ ઉર મહીં ?'વૃથા શાને આવા કટુ રુદનનું સેવન કરે ?
'કહે ! ત્હેં શું ખોયો જગત પરનો વૈભવ બધો ?'અરે શું કો આશા તુજ જિગરમાં વા તડફડે ?'ન શું વા મૈત્રીમાં તુજ હૃદય પામેલ બદલો ?'મનોયોગી પ્રેમે અગર નવ શું આદર મળ્યો ?
'અરે ! આનન્દો જે જગત પરની સમ્પદ ધરે,'ભલા ભાઈ ! એ તો ક્ષયમય અને તુચ્છ સઘળા;'અને જે ભોળા એ ચપલ લઘુતા ઇષ્ટ ગણતા,'અરે બેટા ! તે તો લઘુતર નકી પામર બધા.
'જહીં આશાદીવો તહીં જરૂર અન્ધાર રજની,'વધુ જ્યાં એ ખીલે તિમિર વધુ ત્યાં ગાઢ જ નકી;'નવાં દર્દો કાંઈ નવીન ભડકાઓ જગવતાં,'અજાણ્યાંને અન્તે મરણશરણે છેક ધરતાં.
'અને એ મૈત્રી એ તો જરૂર ઉરને મુફ્ત જ ધ્વનિ ?'સુવાડી દેવાનું મધુર પણ એ છેક સ્વપનું;'જહીં કીર્તિ લક્ષ્મી તહીં જ નકી એ છાંય ફરતી,'ત્યજી રોતાં વ્હેતાં રુધિરમય કંગાલ નયનો.
'ગુહા પ્રીતિની તો હજુ ય વધુ ખાલી રસિકતા,'અરે ! બાલાઓનાં કટુ અટકચાળાં મશકરી;'અહીં પૃથ્વી પાસે કદિય વસનારી ન દ્યુતિ એ,'હશે તો માળામાં ચકવીચકવાના સ્વર મહીં.
'અરે ! મુગ્ધ પ્રેમી ! બસ શરમની ખાતર હવે,'અવજ્ઞાથી ફેંકી દૂર જ કર સ્ત્રીના સ્મરણને,'
પરંતુ આવું એ અતિથિ સુણતાં કૈં કમકમે.કપોલે ને ભાલે અરુણમયતા કો રમી રહે.
ઉષાની લાલી શા ચપલ મૃદુ ને રંગ નવલાધરે એ ચ્હેરાની ઉપર ચટકીદાર બુરકો;ઢળેલાં નેત્રો છે અધર અધમીચ્યાં જલભર્યાં.અને એ ખૂણામાં પલપલ ચડે રક્ત ફરતું.
જરા નીચી ભીરુ શરમભર દૃષ્ટિ નયનની,નીચે ઊંચે ધ્રૂજી દરદમય છાતી ઉપડતી,બતાવી દે ખુલ્લી અતિથિઉરની એ સ્થિતિ, અનેકહી દે કન્યાનું મનહર મૃદુ મંજુલપણું.
અને બાલા બોલે, 'જરૂર અપરાધી પથિક આ,'પ્રભુ ને તું આંહીં નિશદિન સદા વાસ કરતાં,'તહીં સ્ત્રીનાં આવાં મલિન પગલાં આમ ધરતા,'અરે ! ત્હારા આવા અપટુ અતિથિને કર ક્ષમા.
'અરે આ કન્યા જે ભટકવું શીખી છે પ્રણયથી,'ભલા સાધુ ! તેની ઉપર કરુણાનાં દૃગ ઘટે;'સદા જે શોધે છે રખડી ફરતાં શાન્તિ ઉરની,'નિરાશાનો જેને પણ નિજ પથે સોબતી મળે.
'દૂરે ગંગાતીરે મુજ પ્રિય હતા તાત વસતા,'પ્રજામાં તેને હું કમનસીબ આ એક જ હતી;'મ્હને એ મ્હેલ્લામાં મધુર ગણતાં સૌ રમકડું,'અરે ! બાલ્યાવસ્થા મધુર પણ થોડા દિવસની.
'પછી આકર્ષીને નિજ કર મહીં તાતકરથી,'મ્હને લેવા કૈં એ મુજ સહ યુવાનો ફરી રહ્યા;'હતા શ્લાઘાના કૈં સહુ દિશ ઉગેલા ચમન, ને'સુગન્ધી પુષ્પો એ તહીં કંઈ હતાં મ્હેક ધરતાં.
'હતા આ નેત્રોને શશીરવિ સહે કોઈ કથતા,'હતા મૂર્ચ્છાના એ કંઈક વળી વેષો ભજવતા;'બતાવી જાતા કો પ્રણયચિનગી કૃત્રિમ, અને'હશે ક્યાં ક્યાં થોડો રસ પણ રસીલો ટપકતો.
'હતો બીજા સાથે પણ રસિક કો 'કાન્ત' નમતો'રહેતો દૂરે ને પ્રણય તણી ના વાત વદતો;'હતી તેની છાતી મુજ તરફ છાની ધડકતી,'છતાં એ નિઃશ્વાસો નયન કહી દેતાં ઘડી ઘડી.
'હતાં તેની પાસે નહિ નહિ કશાં દ્રવ્ય ન ઘરો,'હતાં હીરા મોતી નહિ નહિ કશાં ભેટ ધરવા;'હતાં તેની પાસે નરમ ઉર ને એક ફુલડું,'છતાં એવું એનું મુજ જિગરને તો સહુ હતું.
'પ્રભાતે પુષ્પો જે રવિકિરણને ઝાકળ ધરે,'તડાગે જે પેલાં કમલ રજ અર્પે ભ્રમરને;'નકી ત્યાં યે ક્યાં યે નહિ વિમલતા વા મધુરતા,'અહો ! જે તેના એ મૃદુ ઉરની સ્પર્ધા કરી શકે.
'હતી એ હૈયામાં ઝરણ સઘળાંની સતતતા,'હતી એ હૈયામાં પ્રભુહૃદયની આર્દ્ર પ્રભુતા;'હતું આ હૈયું એ ગળી જઈ જ આધીન બનતું,'હતો પાપી કિન્તુ મુજ ઉર મહીં તોર દૃઢ કૈં.
'પરીક્ષાની મેં કૈં અતીવ અજમાવી તરલતા,'અભિમાની કીધા નવીન સહુ દુરાગ્રહ સદા;'અરે ! એનો જુસ્સો મુજ જિગરને સ્પર્શ કરતો'ગણ્યો ત્યારે તેના દરદ મહીં મ્હારો જય હતો.
'વિષાદે થાકેલો મુજ પુરુષ નિન્દા ઉપરથી,'ગયો એ તો અન્તે ત્યજી મુજ ગરૂરી મહીં મ્હને;'અરે ! તેણે શોધ્યો નિરજન નકી વાસ વનમાં,'જહીં એ એકાન્તે ભટકી હિજરાઈ મરી ગયો.
'ગમી કિન્તુ એ તો મુજ હૃદયની, દોષ મુજ એ,'પ્રભુ ને હું તેનો જરૂર લઈશું પૂર્ણ બદલો;'તળું પૃથ્વીનું એ રખડી રખડી ઢૂંઢીશ, અને'જહીં એ સૂતો ત્યાં મુજ અવયવોને ધરીશ હું !
તહીં સંતાડી આ વદન મુજ પાપી ઝૂરી ઝૂરી'નિરાશામાં ડૂબી જિગર મુજ ચીરી મરીશ હું !
'અરે ! હું કાજે તે હૃદય કરતું એ સહુ ગયું,'અને તે કાજે તે કરીશ સઘળું હું પણ નકી.'
'પ્રભુ વારે એ સૌ,' ચમકી લવી સાધુ હૃદયથી'લપેટે કન્યાના ધડધડ થતા એ હૃદયને;'ધગી ક્રોધે વાંકાં નયન કરતી લાલ લલના,'પરન્તુ ભેટીને સુભગ નકી આ કાન્ત જ લવે :
'અહો ! કાન્તે ! કાન્તે મુજ હૃદયની મોહની : પ્રિયે !ત્હને ને પ્રીતિને તુજ ફરી અહીં કાન્ત મળતો !'અહો ! જે ખોવાઈ નિજ ઉરની ધૂણી પર વસ્યો,'ફરી લે, લે, લે એ કર મહીં દીવાનો પ્રણયનો.
'સદા ર્હેવા દેજે તુજ ઉર જડેલું મુજ ઉરે,'બધી ફેંકી દેજે ફિકર તુજ મીઠા હૃદયની;'જુદાઈ ના ના ના કદિ પણ હવે હો, રસિકડી !'હવે સ્વીકારી લે જીવન મુજ, મ્હારૂં સહુ, પ્રિયે !
'અરે ! જૂદાઈ એ સ્વર પણ હજો ના શ્રવણમાં,'હજો દૂરે દૂરે કટુ કટુ વિરાગે જિગરથી;'હજો ત્હારી છાતી અચલ ધ્રુવ શી સ્નિગ્ધ સરલે,'અહો મ્હારા ઘેલા વિમલ નભ શા આ ઉર પરે.
'નિસાસો મીઠો જે તુજ ઉર મહીં છેદ કરતો,'હવે રેંસી દેશે તુજ ઉર તણા કાન્તઉરને;'હવે ત્હારાં અશ્રુ વિમલ ઉરના જે ઉમળકા,'કપોલેથી ચૂસી અધર મુજ આ સાર્થક થશે.'
ગયેલો છે છૂટી શરીર પરથી છેક કબજો,અને એ બન્નેનાં થડકી ઉર ધ્રૂજે અવયવો;અહો ! તૃપ્તિ તૃપ્તિ સજલ નયને એ વરસતી,અને પ્રેમી સાધુ ઉરની નિજ લ્હેરી ઠલવતો :
'પ્રિયે ! કાન્તે બાલે ! ઘડમથલ સૌ દૂર તજશું,'અહીં આ કુંજોમાં પ્રણયરસનું સ્વર્ગ રચશું;'હવે ના તે જૂદા જગત તણી વાતો ય કરશું,'અહીંની વસ્તીમાં તુજ મુખ અને હું બહુ હશું.
'ફુવારા હૈયાના પ્રણયઝરણે એક કરશું,'વનોમાં આનન્દે કર કર મહીં લેઈ ફરશું;મ્હને તુંને સાથે ઉર પર કંઈ એક રમતું,'સદા પૂજીશું તે હૃદયગળણીથી નિશદિને.
'સૂતેલા આનન્દો મધુર સ્વરથી સૌ જગવશું,'અહીં વીણા છે ને સ્વર પર કૂદે તે મૃગલીઓ;'વિયોગોના ભીના કરુણ મૃદુ ગાઈ સ્વર બધા'રસે ધ્રૂજન્તાં આ ઉર લપટવા છૂટ કરશું.
'પ્રભુ ખોવાયેલો મુજ હૃદયને જે મળી ગયો,'સદા તેને મ્હારાં નયન પર રાખીશ તરતો;'વળ્યો આત્મા મીઠો મુજ જિગર ખોખા મહીં ફરી,'હવે તેને કંઠે કબજ કરી રાખીશ રમતો.'
Comentarios
Cargando comentarios…