ફરિયાદ શાની છે ?

કલાપીનો કેકારવ

અરેરે! ઊડતું ખંજર દિલે ઝૂંટી હુલાવ્યું મ્હેં!ઉપડતો હાથ શો ત્યારે ? હવે ફરિયાદ શાની છે ?

વહે તો ખૂન છો વ્હેતું ! નહીં તો છો ઠરી રહેતું !સહેવો દાગ કાંઈ એ ! અરે ! ફરિયાદ શાની છે ?

સનમના પેરની લાલી જિગરનું ખૂન મ્હારૂં છે !અરે ! એ રંગ મ્હારો તો હજુ ફરિયાદ શાની છે ?

હતી આશા કંઈ ઊંડી, ભરી તેની રૂડી પ્યાલી,સનમને આપતાં ઢોળી, હવે ફરિયાદ શાની છે?

કદી લાલી જશે ચાલી ! કદી ફૂટી જશે પ્યાલી,ભલે કો તે ભરી દેને ! મને ફરિયાદ શાની છે ?

ભરાશે કોઈ ઢોળાયું ! ભરાયું કોઈ ઢોળાતું !અહીં તો રેત ઉડે છે ! પછી ફરિયાદ શાની છે ?

જગાવી મેં ચિતા મ્હારી ! ઝુકાવ્યું ત્યાં બધું જાણી !ચડે છે ખાક વંટોળે ! હવે ફરિયાદ શાની છે?

કરે છે શોર એ ભૂકી, "મને માશૂક ચોળી લે !"સુણે ના કોઈએ તેને! પછી ફરિયાદ શાની છે?

સનમને ઇશ્કનાં વાજાં જિગરના જિગરે વાગ્યાં!ચડેલો તોર ખોલી એ! હવે ફરિયાદ શાની છે?

અહાહા! ઇશ્ક આલમનો હજારો રંગનો પ્યાલો!જિગર આ એકરંગીને, અરે ! ફરિયાદ શાની છે?

જહાંની આ અને પેલી અહીં ત્યાંની નથી પરવા!ન કો પૂછે ! ન કો જાણે ! પછી ફરિયાદ શાની છે?

મને જે થાય કૈં આજે હશે ના યાદ તે કાલે!પછી કો અન્ય શું જાણે? દિલે ફરિયાદ શાની છે?

અહીં જે તાર તૂટ્યો તે કદી સન્ધાઈ ત્યાં જાશે!'કદી' ની હોય શી આશા? અરે ! ફરિયાદ શાની છે?

હજુ ફરિયાદ જારી છે ! જિગરમાં મેં વધારી તે !ખુશીથી આગ હું સેવું ! પછી ફરિયાદ શાની છે?

ખુદાના તખ્તની પાસે જિગરની આહ પ્હોંચાડું!મગર છે ગેબ ઝાલિમ એ! જિગર! ફરિયાદ શાની છે?

Comentarios

Cargando comentarios…