બિલ્વમંગલ
કલાપીનો કેકારવ
છુપી ઊંઘે ઘનપડ મહીં તારલા વ્યોમઅંકે,નિદ્રા મીઠી ગિરિ, નદી અને વિશ્વ આખું ય લે છે;ને રૂપેરી શ્રમિત દીસતી વીજળી એક સ્થાને,સૂતી સૂતી હસતી મધુરું સ્વપ્ન માંહી દીસે છે!
આવી રાતે ધ્વનિ કરી મહા શ્યામ વ્હેતી યમુના,તેના બહોળા જલ ઉપરની ભેખડે કોણ છે આ?કૂદી નીચે જલ સમીપ તે માનવી આવી ઊભું,ને શોધે છે કંઈ પણ કશું હાથ તેને ન આવ્યું.
એવામાં ત્યાં શબ જલ પરે કોઈ આવે તણાતું,હોડી તેને સમજી જલદી જોરથી ઝાલી લીધું;ને આ ચાલ્યો પુરુષ તરતો ઉપરે તેની બેસી,હર્ષે બોલ્યો, “પ્રિય! નકી થશે આજ તો આશ પૂરી.”
ત્યાં તો અભ્રે ધવલ ભડકા વીજળીએ કર્યા શા!તેથી સર્વે તરુ, નદી અને પહાડ તેજે છવાયાં;ગાજી ઉઠ્યું ચમકી વન આ મેઘની ગર્જનાથી,નિદ્રામાંથી મયૂર ટહૂક્યા હર્ષથી જાગી ઉઠી!
છો ઊઠીને મયૂર ટહૂકે, પ્હાડ ગાજે ભલેને!તેમાંથી તે મગજ નરનું કોઈથી એ ન જાગે!દૃષ્ટિ તેની શબ પર હતી ત્હોય જોઈ શકે ના!છોને આખું જગત સળગી વીજળીથી બળે આ!
તેની પત્ની હૃદયવિભૂતિ સ્નેહની જે સરિતા,તેની પાસે જિગર ઘસડી જાય છે લેઈ હાવાં;આલેખાયું હૃદયપટમાં ચિત્ર વ્હાલી તણું છે,અંગોમાંથી જીવન સઘળું ત્યાં જ આવી રહ્યું છે.
દોરાતો આ પ્રિયજન કને આમ આશા ધરીને,પહોંચી ઊભો શબ ઉપરથી ઊતરીને કિનારે;પાસે મૂકી મૃત શરીરને મસ્ત પ્રેમી વદે છે:–“દીવા મ્હારી પ્રિય સખી તણા ઓરડાના દીસે તે.”
અન્ધારામાં ત્વરિત પગલે ડોલતો ચાલતો આ,આવી પહોંચી પ્રિયગૃહ કને જોઈ ઊંચે ઉભો ત્યાં;ગોખેથી ત્યાં લટકી ઝૂલતું કાંઈ દોરી સમું છે,ઝાલી તેને ઉપર ચડીને ગોખ માંહીં ઊભો તે.
દીઠી તેને હૃદય ધડકે જેમ ચીરાઈ જાતું,દીઠી તેને અવયવ બધા પિગળી જાય છે શું;દીસે તેને ચકર ફરતો કંપતો ઓરડો એ,કામી પ્રેમી અનિમિષ રહી પ્યારીને નીરખે છે!
જોઈ લેજે ફરી ફરી સુખે પ્રેમનું સ્થાન પ્રેમે,આગે મીઠી સુખની વખતે કોઈ વેળા ન આવે,આવી પ્રીતિ તુજ ન વખતે હોય કાલે પ્રભાતે,આ આશાનું મધુર સુખ તો આજ ઊડી જ જાશે.
જોઈ લેજે ફરી ફરી ભલે દૂરથી જોઈ લેજે,ઇચ્છે તેવું સુખ અનુભવી આજની રાત લેજે,
ત્હારે માટે દિવસ ઊગતાં કાંઈ જુદું જ ભાગ્ય,ત્હારો નિર્મ્યો કરુણ પ્રભુએ કાંઈ જૂદો જ માર્ગ!
જોને ત્હારી યુવતી રમણી શાન્ત નિદ્રસ્થ આ છે,ને વેલી શું શરીર સુખમાં શાન્ત શૈયા પરે છે;નિદ્રા મીઠી કર સુખભર્યા ફેરવે છે કપાલે,શું મૃત્યુથી કબજ થઈને અંગ સર્વે ઢળ્યાં છે!
નિદ્રાનું આ સુખ ત્યજી દઈ ઊઠીને સુન્દરી તું,ચાંપી લેને હૃદય હૃદયે મિત્રનું સુન્દરી તું;એ હૈયાનો રસ તુજ પરે ખૂબ વર્ષી રહ્યો છે,રાત્રિના બે પ્રહર સુખમાં પૂર્ણ માણી હવે લે!
આ રાત્રિમાં તુજ પ્રિય કને મીઠડાં ગીત ગાવાં,ત્હારે તેની જરૂર કરવી આજ તો તૃપ્ત આશા;ત્હારે કાંઈ મધુર સુખમાં આજ છે ઝૂલવાનું,કાલે તો કો’ નવીન રસના સિન્ધુમાં ડૂબવાનું.
પેલો કામી પુરુષ હજુ ત્યાં ગોખ માંહી ઊભો છે,તેનાં કામી પ્રણયી નયનો પ્રેમીને નિરખે છે;ત્યાં દીવામાં ચડચડી મર્યું એક ભોળું પતંગ,જોવા લાગ્યો સ્થિર નયનને ફેરવી ત્યાં યુવાન!
બોલી ઉઠ્યો, “અહહહ પ્રભુ! સ્નેહની આ દશા શી?!“ઓહો કર્તા! તુજ કરણીમાં આવી તે ક્રૂરતા શી?!“પ્રેમી ભોક્તા પ્રણયી હૃદયે ભોજ્યની પાસ આવે,“તે ભોક્તાનું જિગર કુમળું ભોજ્ય તે કેમ બાળે?!
“કાંઈ મીઠું સુખ નકી હશે પ્રેમીને બાળવામાં,“ને કૈં તેથી વધુ સુખ હશે પ્રેમીને દાઝવામાં;“બાળી દે તો પ્રિય સખિ મ્હને!” એટલું બોલી દોડી,સૂતેલીના હૃદય સહ તે ધ્રૂજતી છાતી ચાંપી!
જાગી બોલી ચમકી લલના, “જીવના જીવ મ્હારા!“શું અત્યારે તુજ સખી કને આમ આવ્યો જ ! વ્હાલા!”ને બન્ને એ હૃદય ધડક્યાં સાથ સાથે દબાઈ,ભાને ભૂલી પ્રણયી સુખિયાં શાન્ત પામ્યાં સમાધિ.
આ બન્નેની દૃઢ ક્ષણ મહીં છૂટશે ગ્રન્થિ હાય!કેવો મીઠો સમય સુખનો ત્હોય કેવો ક્ષણિક!જૂનાં થાતાં મધુર સુખડાં ચિત્ત શોધે નવાંને,ને આશામાં વખત સઘળો આમ પ્રેમી ગુમાવે!
સ્થાયી ક્યાંએ સુખ નવ મળે સ્થાયી આશા ન ક્યાંએ,રે! સંધ્યાની સુરખીવત્ સૌ સ્નેહના રંગ ભાસે:ને આશામાં મધુર સુખ તે તૃપ્તિમાં કેમ છે ના?રે! ત્હોયે સૌ હૃદય ધરતાં તૃપ્તિની કેમ આશા?
જે છે તે છે સુખ દુઃખ અને તૃપ્તિ આશા અહીં તો,જે પામો તે અનુભવી સુખે સ્નેહી લેજો તમે તો;સંયોગી ઓ સુભગ દિલડાં! તૃપ્તિનું આજ લ્હાણું;ઊઠો ઊઠો અતિ સુખ મહીં ભાન ના ભૂલવાનું.
ધીમે અર્ધી રવિકર વતી પોયણી જેમ ખીલે,બન્ને તેવી મૃગનયનીની આંખડી ઊઘડે છે;એ આંખો તો પિયૂષ પિયુના અંગને લેપી દેતી,એ આંખોમાં વશીકરણશી પ્રેમમૂર્ચ્છા વહેતી!
ને ઘેરાતાં નયન પિયુનાં ઊઘડ્યાં દીર્ઘ સ્નિગ્ધ–અર્પી દેતાં હૃદય પ્રિયના પાદમાં જેમ હોય;પી લેઈને શરીર પ્રિયનું નેત્રથી નેત્ર ચોટ્યાં,મીઠા ભાવે રતિમય તહીં પૂર્ણ સત્કાર પામ્યાં.
એ દૃષ્ટિના અમીઝરણમાં ગાન દૈવી ગવાતું,બન્ને આત્મા રસમય થતાં ઐક્યનું પાન થાતું,એ દૃષ્ટિમાં લય થઈ ગઈ વિશ્વની સૌ ઉપાધિ.વેળા વ્હેતી સતત ગતિએ તેમ ત્યાં સ્તંભી ઊભી.
ના ના રે રે! વખતનદ તો જાય ચાલ્યો સપાટે,તે રોકાતો પલ પણ નહીં પ્રેમીનાં કાર્ય માટે;બિચારાંની સફળ ઘડીઓ લેશ ના દીર્ઘ થાતી;ઓહો! એ તો જલદી જલદી આવી કે ઊડી જાતી.
જ્યારે બન્ને રસમય દિલો સાથ સાથે દબાયાં,ત્યારે તેના ગૃહ ઉપર કૈં વાદળાં દોડતાં’તાં;
તે હાવાં તે ઘનદલ સહુ વિખરાઈ ગયાં છે,તારા સાથે શશી ચળકતો પશ્ચિમે ઉતરે છે.
ઓહો ! મીઠું જરૂર દીસતું તૃપ્તિનું આજ લ્હાણું,કેવું ઘેલું કૂદી કૂદી ઉડી ગીત ગાતું ચકોરૂં!કેવાં નાચી પ્રતિ વીચિ ઉરે ચન્દ્રનું બિમ્બ ધારે!ને વાયુના અધર ફરકે પુષ્પના ઓષ્ઠ સાથે.
હિમે ઢાંક્યાં ગિરિવર તણાં શૃંગ શૃંગે શશી છે,ને ગુલ્મોના પ્રતિ ફૂલ ઉરે ભૃંગ બાઝી રહ્યા છે;આજે ક્યાંયે વિરહદુઃખનાં મ્લાનિ કે અશ્રુ છે ના,ક્યાંયે છે ના જગત પરની સર્વવ્યાપી કટુતા.
પૂર્વે લાલી ચળકતી દીસે આભમાં કેસુડાં શી,જે જોઈને કલરવ કરી ઊડતાં કૈંક પક્ષી;પિયુ સાથે શયન કરતી સાંભળી સુન્દરી તેબોલી, “મ્હારા પ્રિયતમ! ગઈ રાત્રિ ચાલી અરેરે!”
“આહા!” અન્તે જનહૃદયને બોલવાનું “અરેરે!”કંપી રહેતાં જીગર સુખમાં ઉષ્ણ નિઃશ્વાસ આવે;આંસુડાં જ્યાં નયન પરથી હર્ષનાં ના સૂકાયાં,ત્યાં તો નેત્રો દુઃખમય બને આંસુની ધારવાળાં!
ચોંટી મ્લાનિ પિયુ હૃદયને સાંભળી તે “અરેરે”ને અંગોમાં દુઃખમય અરે મ્લાનિની સુસ્તી આવે;ફેંકી દૃષ્ટિ અતિ દુઃખભરી પ્યારીનાં નેત્ર સામે,જે દૃષ્ટિમાં દુઃખમય અમી વ્હાલનું વર્ષી રહે છે.
બન્ને ઊઠી શિથિલ પગલે ગોખમાં આવી ઊભાં,ભારે હૈયે કુદરત તણું શાન્ત સૌન્દર્ય જોતાં;ઉગે છે ત્યાં જળહળ થતો પૂર્વમાં લાલ ગોળો,નાચી રહે છે કિરણ સલિલે રેડતાં રંગ રાતો!
“કેવું, વ્હાલા ! ખૂબસુરત છે વિશ્વનું રૂપ ભવ્ય!“નાચે કેવો સુખમય તહીં ઢેલ સાથે મયૂર!“અશ્રુ ઝીલે પ્રિયતમ કને હેતથી તે મયૂરી,“ને તે દે છે મયૂર પ્રણયી પ્રેમની ચીસ પાડી.
“ચુમ્બી અશ્રુ તુજ પ્રિય સખે! ગાલથી લૂછી નાખું,“જાવું ના ના મુજ સહ રહે, એટલું નાથ યાચું;”બોલી એ ત્યાં નજર યમુનાતીર પાસે પડે છે,ને ત્યાં પેલું શબ નિરખતાં નાથને એ પૂછે છે.
“જોને, વ્હાલા! મૃત શરીર કો કેમ ત્યાં છે પડેલું?!“રે રે ! શું ના જગત પર છે કોઈએ મિત્ર તેનું?“રોવા તેને જગ પર નથી કોઈ ના દાહ દેવા?“વ્હાલા! તેનું સુખમય હશે મૃત્યુ કેવું થયું? હા!”
જોઈ તેને પ્રણયી વદતો શાન્ત ગંભીર વાણી:–“હું આવ્યો છું ઉતરી યમુના રાત્રિયે હોડી માની;“વ્હાલી! તે એ શબ જરૂર છે, મિત્ર તેનો બનું હું,“ચાલો તેને નદીતટ જઈ અગ્નિનો દાહ દેશું.”
આભારે કે પ્રણય ઊભરે શીષ નીચું નમાવે,ને પ્યારાના હૃદય સહ તે સુન્દરી ગાલ ચાંપે;ત્યાં તો “વ્હાલા! સરપ લટકે ગોખની બારીએ છે,”બોલી એવું કૂદી પડી નીચે સુન્દરી ગાભરી એ.
જોઈ તેને પ્રિયતમ કહે ઉરથી ઉર ચાંપી:“આવ્યો હું તો ઉપર ચડી એ સાપને દોરી માની:”સુણી આવું ચકિત થઈને મૂક વિચારતી કૈં,ચિન્તાવાળાં સજલ નયને સ્વામીને જોઈ રહેતી.
ત્યાં હોલાયે છત ઉપરથી ઝૂલતો એક દીવો,હાંડીમાંથી સરકી નીકળ્યો ધૂમ્રનો શ્યામ ગોટો;તે જોઈને દૃઢ થઈ જરા ઉચ્ચરે આમ શ્યામા:–“મ્હારા વ્હાલા! સુર! હૃદયથી દાસ તું ઈશનો થા!
“ફાની છે આ જગત સઘળું અંત આ જીવવાને,“જે છે તે ના ટકી કદી રહે સર્વદા કાલ ક્યાંયે;“શોધી લેને પ્રિય પ્રિય સખે! સર્વદા જે રહેશે,“આશા તૃપ્તિ વિભવ સુખની તુચ્છ સૌ છોડી દેને!
“હું ત્હારી ને મુજ પણ સખે! પ્રેમી આ દિલ ત્હારૂં“તે જાણીને હૃદય મમ તો આ જ ચીરાઈ જાતું;
“ત્હારૂં તે ના તુજ રહી શકે તૂટશે સર્વ મ્હારૂં,“માટે છોડી “તુજ” “મુજ” હવે દાસ થા ઈશનો તું.
“આ દીવો જો તુજ ગૃહ બધું તેજથી પૂરી દેતો,“દીપ્તિહીણો તિમિરમય છે ધૂમ્ર તો અન્ત તેનો;“ભોળા ત્હારા હૃદય સહ આ પ્રેમનું જે શરીર,“તેનો વાયુ વતી ઊડી જતી આખરે અન્ત ખાક.
“શું છે હુંમાં? સુખરૂપ તને દેહ આ ના થવાની,“વ્હાલા! તેને મરણ પછી તો કાષ્ટમાં બાળવાની;“ટેકો જ્યારે તુજ હૃદયનો કોઈ ક્યાં એ ન રહેશે,“રોતાં ત્યારે જીવિત સઘળું પૂર્ણ તે કેમ થાશે!
“તૈયારી તું પ્રિયતમ કરી મૃત્યુની લે અગાડી,“ને મ્હારો તું કર ગ્રહી મને સાથ લેને ઉપાડી;“તોડી ભીંતો તિમિરગઢની દિવ્યસ્થાને ઊડી જા,“ને તે માટે સુર! હૃદયથી, દાસ તું ઈશનો થા!
“તેં શીખાવ્યો રસ ઉર ભરી પ્રેમ સંસારનો જો,“દોરી જા તું મુજ ઉર હવે દૂર સંસારથી તો;“શું શીખાવું? શિખવ મુજને પ્રેમ વૈરાગ્યમાં તું,“જાગી ચેતી ઊઠ ઊઠ હવે ઊંઘ ના સર્વદા તું!”
ઊંડું ઊંડું હૃદય ઊતરી સાંભળી આ રહ્યું’તું,ને પ્રેમીના મગજ ઉપરે ઉષ્ણ લોહી ફરન્તું;નિદ્રામાંથી દિવસ ઊગતાં ઊઠતો જેમ હોય,રાતું તેનું મુખ ત્યમ દિસે શાન્ત ગંભીર ભવ્ય!
દૃષ્ટિ ફેંકી પ્રિયમુખ ભણી પ્રેમ ઔદાર્યભીની,બોલ્યો વાણી ગદગદ થઈ મેઘની ગર્જના શી:-“રે કલ્યાણી! સખિ! ગુરુ! પ્રિયે! પ્રેમની દિવ્યજ્યોતિ!“ત્હારે પન્થે વિહરીશ હવે જાળ જંજાળ તોડી!
“સંસારીને શિખવીશ હવે સ્નેહ, વૈરાગ્ય, ભક્તિ,“ને અન્તે હું મરીશ સુખમાં ઇશનું નામ બોલી;“ચાલો ચાલો નદીતટ પરે ઝૂંપડી બાંધશું, ને“વ્હાલા મ્હારા પરમ પ્રભુના ગીત ગાશું જ પ્રેમે!
“શૃંગારી આ હૃદય તુજ ક્યાં? શાન્ત વૈરાગ્ય તે ક્યાં?“સંસારી આ તુજ હૃદયમાં જ્ઞાનનું ઊગવું ક્યાં?“શું વિચારું? મુજ મગજ તો બાવરું આ બને છે,“શું વિચારું? મુજ હૃદયમાં આંસુડાં ઊભરે છે!
“જન્મ ને જીવનાં કૃત્યો છે આકસ્મિક સૌ અરે!“પાસા ફેંકે જનો સર્વે દા દેવો હરિહાથ છે.“કરૂં છું” ને “કર્યું છે મેં”, જૂઠું એ અભિમાન હા!“કરી તે શું શકે પ્રાણી, આ અનન્ત અગાધમાં?”
પણ પિયુકરમાં લટકી પડી–“નહિ, પિયુ!” લવતી રહી સુંદરી!પિયુ રહ્યો મુખ એ નીરખી, અને–જલ તણી ઝરી પાંપણને ભરે!
Comentarios
Cargando comentarios…