બ્હોળો રસ

કલાપીનો કેકારવ

દુઃખો કે આનન્દો, પ્રણય સખીનો કે કઠિનતા,ઝરાઓનું વ્હેવું ઉદધિ તણું એ ગર્જન મહા;શુકોનું સ્વચ્છન્દી ચપલ સુરિલું ગીત મધુરૂં,લતા, વૃક્ષો, પુષ્પો, અનિલલહરી ને જગ બધું.

સહુ આ પૂરે છે મુજ જિગરમાં આસવ કંઈ,મને ભાસે સૌમાં રસનવીનતા આસવ થકી;અરે! ખાલી કિન્તુ નયન મુજ ઘેરાં થઈ રહ્યાં,નશામાં મ્હાલન્તું વિફળ મુજ ડોલે જિગર આ.

અહો! મોતિડાં શાં મધુર કંઈ બિન્દુ છલકતાં,અરેરે! એ દૈવી અમર રસ ઢોળાઈ વહતો;'અતિ ન્હાનું પ્યાલું મુજ હ્રદયનું એ રસ બહુ'કહી હું રોનારો! અખૂટ રસ એ ક્યાં કુદરતી?

અહો! બ્હોળા મેઘો જલધિ પર જેવા વરસતા,ઢળે તેવો આ એ મુજ રસ અરેરે! રણ મહીં;ગમે છે કૈં એવું કુદરતઉરે એ છલકતું,રુચે છે આ પ્યાલે અખૂટ મધુ રેડ્યા જ કરવું.

અહો! તો હું કાં ના મુજ રસ દઉં અન્ય ઉરને?ન કાં કો સ્વીકારે? વળી દઈ શકું હું પણ ન કાં?અરે! શું સ્વીકારે? પ્રતિ હ્રદયમાં એ જ વહવું,દિસે આંહીં કે ત્યાં કુદરતનું ઔદાર્ય સરખું.

કવિતા ગાઉં છું; ઘડીક રસની ત્યાં સફળતા,બહુ હીરા કિન્તુ દિવસ સઘળા વ્યર્થ જ જતા;કવિતા ગાતાં એ અમુક રસ તો એમ જ ઢળે,કવિતામાં કો દી કવિ ન રસ પૂરો ધરી શકે.

પ્રિયાને આલિંગું મુજ હ્રદયને જે પ્રિય સદા;સખાને ભેટું છું, મુજ જિગરની જે પ્રતિકૃતિ;અહોહો! ત્યારે તો મુજ જિગર વિસ્તીર્ણ બનતું,અરે! કિન્તુ ત્યારે રસની પણ હેલી વધી પડે.

અહો! જેવો પ્રેરે મધુર રસ ત્યારે લપટવા,ન હું તેવો કો દી લપટી શકતો ગાઢ પ્રિયને;ઉરોની વચ્ચે છલકી પડતો એ રસ, અનેઅરે! બાઝી રહેતાં દિલ ન કદી સન્તુષ્ટ બનતાં.

અતિ તૃપ્તિ કો દી નથી નથી થઈ કે નહિ થશે,ઉરોના પ્યાલામાં રસ નહિ કદી એ સ્થિર રહે;કવિતા ગાતાં કે પ્રિય હ્રદયની ભેટ કરતાંબહુ ટૂંકું ભાસે જીવિત ધ્રુવનું એ ક્ષણ સમું.

ડરૂં છું હું કાંઈ, ઝરણ કદિ એ બન્ધ પડશે,દુકાળોને માટે અરર! નવ કાં સંગ્રહ કરૂં?પ્રતિ બિન્દુ મ્હારાં નયન ઉર ઉન્મત્ત કરતું,પછી આ સિન્ધુની મુજ દિલ અપેક્ષા નવ ધરે.

અરે! કિન્તુ ના ના અમર રસનો સંચય થતો,ઝલાતું ના મોજું જલધિ ભરતીનું કદિ અરે!ઝલાતાં તો ધારે ગતિહીન બની એ નીરસતા,અને દૈવી ફોરૂં કટુ કટુ થઈને વિષ થતું.

અરે! શાને રોવું? રસમય છતાં કેમ ડરવું?શરાબોનું પીવું ચૂપ રહી ન પ્યાલું ક્યમ ભલા?ન કાં શ્રદ્ધા રાખું કુદરત તણા એ રસ પરે?વહન્તી વેળામાં સુખમય બની ના ક્યમ ડૂબું?

મળે છે ઔદાર્યે પછી ક્યમ બનું કંજુસ ભલા?અરે! શાને જૂઠી ફિકર કરવી કાલની ભલા?શિલા કાળી, કાંટા, પરવત, અને આ રણ બધું,ભલે એ સિન્ધુના વિપુલ ગરકાવે છલકતું.

અહો! વ્હાલી! વ્હાલી! ભર મુદિત આવો લપટશું.ભરી પી પી પ્યાલાં સુખી સુખી બની મૂર્ચ્છિત થશું;ભરી મસ્તી લ્હેરી હ્રદયશઢ છો ને વહી જતા,ઝરા છો ને મીઠા અમર રસના એ છલકતા.

Comentarios

Cargando comentarios…