મતભેદ
કલાપીનો કેકારવ
નહિ નહિ નવો કિન્તુ આ તો જુનો મતભેદ છે,મુજ હ્રદયને ત્હારી સાથે છતાં મળવું ગમે;કદિ કદિ અહીં આવી વેળા કટુ મતભેદની,કદિ કદિ હશે આનન્દોની વળી લહરી અહીં.
કથન કરવું શાને, વ્હાલી! અહીં મતભેદનું?જગ રમકડું આ તો આખું નકી મતભેદનું!મળી મળી રહે હુંથી, વ્હાલી! મળાય જહીં જહીં,જુદી જુદી વહે જ્યાં શ્રેણી ત્યાં જુદાઈ ભલે રહી.
પડ છુપી રહ્યાં હૈયે હૈયે અનેક જુદાઈનાં,પ્રતિ હ્રદયમાં કિન્તુ મીઠી કંઈક સમાનતા;મુજ જિગર આ, વ્હાલી! તુંને સદા અનુકૂલ હો,રસ તુજ દિલે જેવો તેવો સદા ધરતું રહો.
હ્રદયરસ આ ઝીલાયેલો બને, કદિ ના બને,મુજ જિગરને ધોખો આશા નહીં કંઈ એ હવે;મળતર તણી આશા જૂઠી જનો ધરતાં દિસે,ગતિ કંઈ કરી તે કીધામાં બધો બદલો મળે.
જગત પર આ જન્મ્યાં પ્રાણી સહુ મતભેદથી,ફરજ સહુને શીર્ષે આંહીં જુદી જ જુદી પડી;મુજ જિગર આ ત્હારા જેવું બરાબર હોય જો,મુજ જિગરની આ સંસારે જરૂર કશી ન તો.
મત કંઈ મળ્યું - બાઝી બાઝી ઉરો ક્ષણ બે રહ્યાં,અરર! તહીં એ છુપા કાંટા હતા મતભેદના;નહિ સમજશું, ત્યારે ક્યાં તે જુદાઈ વસી હશે,નહિ સમજશું, હાવાં ક્યાં આ ઉરો મળતાં હશે.
સ્મૃતિ તણી અને આશાની ના અહીં પરવાનગી,ક્ષિતિજ પછી તો કોઈની એ ન દૃષ્ટિ પડી કદી;અટકી અટકી અન્ધારામાં ભમ્યાં, ભમવું હજુ,રુદન કરવું થોડું, થોડું વળી હસવું હજુ.
પ્રિય! પ્રિય! અરે! લૂછું ત્હારૂં જરા જલ નેત્રનું,પ્રિય પ્રિય! અરે! મ્હારૂં હૈયું જરા હલકું કરૂં;પ્રિય પ્રિય! તને વાતો ઊંડી જરા દિલની કહું,મુજ જિગરથી જે થાશે તે પ્રયોગ કરી લઉં.
મુજ જિગરના ખાલી ખાલી પ્રયોગ બધા પડ્યા,કુદરત તણા સાચા સાચા પ્રયોગ બધા થયા;રુદન કરવું ત્હોયે શાને? નહીં રડવું ભલું:હ્રદયજલને ખારાઈમાં ન ભેળવવું ભલું.
મુજ જિગરની આશાઓથી ચણાય નહીં ગિરિ,સમય કરશે તે આ મ્હારા બલે બનશે નહીં;મુજ હ્રદયની વાતો હું તો કહી ન શકું, પ્રિયે!કદિ સમજશે ત્યારે ક્હેવા જરૂર નહીં રહે!
તુજ મત તણા ઊંડા પાયા ન માનીશ તું કદી,મૂલરહિત છે આ તો ભોળું નકી તરુ માનવી;કુદરત મહીં તમ્બુ તાણી સહુ વસતાં દિસે,કુદરત કદી કોઈને એ ગૃહો ચણવા ન દે.
સમજણ નહીં, ક્યારે ત્હારૂં વહાણ ડુબી જશે,કઈ લહરીથી? ક્યારે? ક્યાં? એ પલાશ ફરી જશે;સમજણ નહીં, નેત્રો કેવાં તને મળશે હવે -મુજ નયન ના જાણું ક્યારે ફરી ફરશે હવે.
વરસ કરતું તે ના દહાડા કદી નિરખી શકે,જીવિત વહતાં થાતું કાંઈ નવીન ક્ષણે ક્ષણે;નઝર કરતાં ભૂતે દૃષ્ટિ કંઈ કંઈ ભાળતી,પણ ન સમજું ક્યાંથી? શાથી? પડ્યો ઉપડી અહીં.
મુજ જિગર આ ત્હોયે શાને પુકાર કરી રહ્યું?સમજણ નહીં, ત્હારામાં શું મને ઘસડી રહ્યું?
ચડતી ભરતી વ્યક્તિ માટે ન બન્ધ કદી ઘટે,પણ પ્રણયમાં શું ના દેવું? ન શું કરવું ઘટે?
Comentarios
Cargando comentarios…