મધુકરની વિજ્ઞપ્તિ

કલાપીનો કેકારવ

અરે રે! પુષ્પ! આ ભમરો મરે છે હો: મરે છે હો!નમેરું થઈશ શું, વ્હાલા! હું ત્હારો છું: તું મારું થા!

તું બીડાતાં હું બીડાઉં: તું ખીલે, તો હું ગૂંજું છું:ન ભોગી પુષ્પ બીજાનો: હું ત્હારો છું: તું મ્હારું થા!

અરે! તું ભૃંગ બીજા જો ભ્રમણ કરતા ફૂલે ફૂલે:કદી મ્હારી ન રીતિ એ: હું ત્હારો છું: તું મ્હારું થા!

કંટક કાપી નાખી દે : ભ્રમર છાતીથી ચાંપી લે:તું શોભે સર્વદા હું થી : હું ત્હારો છું : તું મ્હારું થા!

હું ત્હારો ને ન તું મ્હારું, ન રીતિ એ રતિની છે:

કદર તું પ્રેમીની કર તો હું ત્હારો છું : તું મ્હારું થા!

તપું છું હું : બળું છું હું ! મરું છું હું, અરે પ્યારા!તું મકરંદ છાંટી લે : હું ત્હારો છું : તું મ્હારું થા!

આ તો સ્વપ્ન ટૂંકું છે : હું ગુંજી લઉં: તું ખીલી લે!થશે પલમાં અરે! હા ! શું? હું ત્હારો છું : તું મ્હારું થા!

સુકોમલ તું ખરી જાશે : ભ્રમર ત્હારો મરી જાશે:આખિરની ગતિ એ છે: હું ત્હારો છું: તું મ્હારું થા!⁠૨-૧૧-’૯૨

Comentarios

Cargando comentarios…