મરણશીલ પ્રેમી

કલાપીનો કેકારવ

આયુ સ્વલ્પ મનુષ્યને દઈ કર્યાં પ્રેમી ઈશે કાં ભલા!શું પીવાય મુહૂર્તમાં રસઘડા વ્હાલાં દિલે જે વસ્યા?સન્તોષે સુખમાં રહેત દિલ આ-જો હેત હર્ષે ભર્યું:માગું ના કદિ દીર્ઘ આ જીવિત-જો તે હોત આનન્દનું!

ગાઢાં સંકટમાં પડ્યાં હૃદય કો ચીરાય ભોળાં, અહો!ઝીણાં ઘૂંઘટમાં છુપાઈ સરતો આનન્દ તેઓ તણો!આશા એ જ મનુષ્યનું જીવિત છે, તો આશ રાખું ભલે:મૃત્યુ બાદ મળો અખંડ સુખનો કો’ દેશ પ્રેમીને!

આંહીં તો કદિ હાસ્ય થાય પ્રિયથી, વા હસ્તમેળા બને:જાણી ના રતિ કોઈના હૃદયની ત્યાં મૃત્યુ આવી મળે!વ્હાલા! દુર્લભ હર્ષ છે અતિ અહીં; તો મૂલ્ય મોંઘું નકી:તેને આદરભાવથી હૃદયમાં રાખો જીવો ત્યાં સુધી!

આવે રંગીન પક્ષીઓ, મધુરવાં, બાગે વસન્તાન્તથી,કો’ વેળા ત્યમ હર્ષ સૌ હૃદયમાં આવી ઊડે છે ફરી!હોજો વિદ્યુત સાંકળી ચળકતી પ્રેમાર્દ્ર હૈયાં વિષે!સ્પર્શે હર્ષ જરી જ કો’ હૃદયને તો સર્વવ્યાપી બને!

Comentarios

Cargando comentarios…