મસ્ત ઇશ્ક

કલાપીનો કેકારવ

અયે કાતીલ! સીને તું સૂતું રહેજે; પડ્યું રહે તું:નથી તકસીર ત્હારી એ: ગુનેહગારી હમારી છે!

બિસમિલ્લાહ ખતમ થઈ જા: જિકર કર ના : જિગર ગમ ખા!હૃદય નાદાન પ્રેમીલા, દિગમ્બર રાખ ચોળી થા!

કિતાબો ઇશ્કની ખોળી: ઉથાપ્યાં પ્રેમનાં પોથાં:વિષમ છે ડંખ પ્રીતિનાં : વિકટ છે સ્નેહરસ્તા ત્યાં!

આશક આ પડ્યો બેહોશ : મરી જાશે હિજરાઈ:આ ફરહાદની કબરે નથી શિરીન સૂવાની!

બસ કમ્બખ્ત દિલ ભોળા! ઉધામા છોડ ઉલ્ફતના:ન કર મુફ્ત અફસોસી: મળશે દાદ ના અહિંયાં!

આ દરબાર દરવાઝે ડંકા પ્રેમના બાજે:પરન્તુ બેવફાઈનાં ઉપર નિશાન ફરકે છે!

કરી ખામોશ પછડા માં: આ તો ખ્વાબનાં નખરાં:આ ગુલઝાર જાદૂનો: ફરેબી ને દગાવાળો!

મળે જો ના તને હીરો લગાવી કોયલો કાળો,બન્યું રહે મસ્ત મસ્તાનું અખંડાનન્દમાં રાચી!

માયિક પ્રેમ તરછોડી અનલહકનો તું કર દાવો:બન્યું રહે મસ્ત મસ્તાનું; મસ્તીનો તું લે લ્હાવો!⁠૭-૪-’૧૮૯૩

Comentarios

Cargando comentarios…