મહાબળેશ્વરને
કલાપીનો કેકારવ
ત્હારી નીલમ કુંજ ઉપર સદા હોજો ઘટા મેઘની,વૃષ્ટિથી તુજ ખેલ એ અમર હો, હોજો કૃપા ઇશની;તે પંખી તુજ વાંસળી મધુરવી, જાંબુ પરે ઝૂલજો,સંધ્યા હાલરડું સદૈવ તુજને એ ગાઈ પોઢાડજો.
એ શેવાલભરી વિપુલ વિટપો હોજો સદા ફાલતી,તેની તે કવિતા બળેલ ઉરને હોજો સદા ઠારતી;હોજો અર્પતી કો નવીન ઝરણી કોઈ કવિના ઉરે,મીઠું કાંઈ ભૂલેલ કો પ્રણયી તે તાજી સ્મૃતિમાં ગળે.
થાશે સર્વ સદૈવ એ મધુરતા ત્હારી મૃદુ હૂંફમાં,જેને જે કરવું ઠર્યું કરી જશે કો અંતની લ્હાણમાં;હું મ્હારો પકડીશ રાહ - પ્રિય તું! ત્હારા સુમાર્ગે જજે,ત્હારી એ સુરીલી મીઠાશ કરુણા તું રેડનારી હજે.
હું ના રોઈ શકું ત્હને ત્યજી જતાં છો - આંસુ આ સૂકતું,વ્હાલાં સોબતીને ય અશ્રુથી વધુ અર્પી ન કાંઈ શકું;નિસાસો તુજ કાજ એક બસ છે છોડી ત્હને ચાલતાં,અશ્રુ માનવિમિત્ર કાજ નયને છો ગુપ્ત આજે રહ્યાં.
Comentarios
Cargando comentarios…