મૃત્યુ
કલાપીનો કેકારવ
મેં બાપડું રમકડું કુમળું ઉછેર્યું,આ પ્રેમના હૃદયનો રસ પાઈ પોષ્યું;પારેવડા સમ હતું બહુ ભોળિયું એ,ને ગીતડું પ્રણયનું મુજ બાલુડું તે!
મ્હારી પ્રિયા હૃદયનું ફુલડું હતું એ,પ્રીતિ તણું મન હતું, સુખિયું હતું તે;પોઢ્યું હતું મુજ કને દિન એક કાલું,સૌએ રડી કળીકળી ફૂલ તે ઉપાડ્યું!
લોકો કહે ‘મરી ગયું’, સમજ્યો ન હું તો;ચાલ્યાં લઈ ‘કુસુમ’,પાછળ હુંય ચાલ્યો;જેને કહે જન ‘શ્મશાન’ તહીં ગયાં સૌ,મ્હારી પ્રિયા હતી પણ જનસાથમાં ત્યાં.
ત્યાં કાષ્ટના ઢગ પરે ફૂલ તે સુવાડ્યું!લોકે કહ્યું ‘શબ’ ભલે, ‘ફૂલ’ મેં કહ્યું’તું;મેં તો કહ્યું, ‘અરર!ભાઇ, જરાક થંભો,આ લાડલું કઠિન અગ્નિ વતી ન બાળો!’
રે સાંભળો! પણ તહીં ભડકો ઊઠ્યો શું!મૂર્ચ્છા તળે દુઃખ ભૂલી ધરણી ઢળ્યો હું;
તે ક્રૂર સૌ જન ગયાં નિજ ઘેર ચાલ્યાં,આ એક જે મુજ હતી રહી પાસ તે ત્યાં.
હું તો ઊઠ્યો, સળગતું મુજ કાળજું’તું,ઢૂંઢ્યું, ન ત્હોય નજરે મમ પુષ્પ આવ્યું;ત્યાં દૂર વૃદ્ધ અવધૂત હતો ગુફામાં,તેણે સુણી રુદન આવી મને કહ્યું આઃ–
“ત્હારૂં ગયું કમલ મૃત્યુ તણે બિછાને,“ત્યાં સૌ જશે, જગત તો ભ્રમછાબડું છે;“આ પ્રેમ શો ! રુદન શું ! દુઃખદાહ શાને?“તું કોણ? તે સમજ, બાપ! જરા ઉભો રહે!
“ત્હારૂં ચીરે હૃદય વ્યર્થ રડી રડીને,“ત્હારૂં ગયું ન વળશે કદિ પુષ્પ, ભાઈ!“સ્પર્ધા કરી જલધિ વ્યોમ ભણી કૂદે છે,“ને સૂર્ય આ લઈ ગ્રહો ફરતો ફરે છેઃ
“આવા અનેક ઉદધિ ઉછળ્યા કરે, ને —“બ્રહ્માંડમાં રવિ મળી અણુ શા ઉડે કૈં;“અસ્તિત્વ એ સહુ તણું નહિ હોય કો’ દિ,'કો’ દિ’ હશે નભ બધું પરિશૂન્ય આ તો!
“ત્હોયે હતાં સહુ જ તત્ત્વ રૂપાન્તરે આ,“કો’ એ નવું નથી થયું, નવ થાય કાંઈ;“કો’ દિ’ વળી પ્રલયનો સહુ ભોગ થાશે,“ત્યારેય બીજ રૂપમાં સહુ આ સમાશે!
“ત્યારેય ન્યૂન રતિભાર નહીં થવાનું,“ને કાંઈ એ અધિક હાલ નથી થયેલું;“દોરાય કો’ ગતિ અનન્તથી વિશ્વ આવું,“ચીલો પડેલ પણ રાહ તણો દીસે ના!
“તે માર્ગનાં પથિક ત્હોય બધાં દિસે છે,“છે મૃત્યુ, જન્મ, જીવવું ,સહુ ભાસ માત્ર;“મૃત્યુથી રુદન,જન્મથી હાસ્ય શાને?“વૈરાગ્યમગ્ન રહી આયુ ન ગાળ શાને?”
તે દિનથી મન વિરાગ ધરી રહ્યો છું,“ને તાહરૂં સ્મરણ, મૃત્યુ! કર્યા કરૂં છું;તું શાન્તિનું ભુવન છે, દુઃખઅન્ત તું છે!પ્રેમે બળેલ દિલનો મધુકાલ તું છે!
તું હાસ્ય છે રુદન કે હૃદયાગ્નિ રૂપે,ને અશ્રુના ઝરણમાં સ્થલ જ્ઞાનનું છે;ત્હારાં સુખી ચરણમાં સહુ ઘોર ઊંધે,ત્હોયે તને મનુજ કો’ કદિયે ન જાણે!
અન્ધાર તું, જગત જે કદી એ ન જોશે,અંજાય વા નયન સૌ, બહુ દિવ્ય તું છેઃજ્યાં સૌ રડે, ખડખડી કર હાસ્ય ત્યાં તું,ત્હારૂં અધિપતિપણું સહુ કાલ ચાલે!
રે ભાઇ મૃત્યુ! ગત કાલ બધો જ ત્હારો,ભાવિ તણા તિમિરમાં ઉજળો તું દીવોઃતું, હું, પ્રિયા મુજ, સહોદરશાં રહેશું,તે મિષ્ટ કાલ સુધી સાચવ બાલ મ્હારૂં!૨૦-૧-૧૮૯૪
Comentarios
Cargando comentarios…