રજાની માગણી
કલાપીનો કેકારવ
ત્રોફ્યું જિગર ! તું છે ખુશી ! હાવાં રજા દેવી ઘટે !બાકી રહ્યા ઘા હોય તો બે ચાર દઇ દેવા ઘટે !
ત્હેં શું કર્યું, તે આ બદન ખોલી બતાવાતું નથી !ઝંજીરથી છોડી મગર કૈં શ્વાસ તો દેવો ઘટે !
અરજી દઈ કેદી થનારો કેદખાને ઠીક છે !તેને ય પણ મેદાનની કો દી હવા દેવી ઘટે !
માશૂક કે ઝુલ્મી નહીં મુર્દા મહીં પામે મજા !લેવા મજા એ ઝુલ્મની આરામ તો દેવો ઘટે !
છે જીવવું કે જીવવા મથવું ય રોવા કાજ છે !તો આંસુડાંની લાયકી એ પામવા દેવી ઘટે !
રીબાય તેની લઝ્ઝતો શું રીબનારૂં જાણતું ?થાક્યો નથી; ત્હોયે સનમ ! તાજો થવા દેવો ઘટે !
આરામમાં આનન્દની આશા નથી રાખી હમે !છે દર્દથી દર્દે જવું ! ત્યાં તો જવા દેવો ઘટે !
છે દર્દને બદલાવવું તે દર્દીઓની લ્હેર કૈં !જ્યાં ત્યાં બધે છે એ જ, પણ પૂરી તલબ કીધી ઘટે !
ખંજર ચલાવી લાલ હાથેલી કરી તુજ હાથની !મ્હારી નહી, તેની મગર કાંઈ દયા ખાવી ઘટે !
માગું રજા, જાઉં ભલે, આખર કદમ ત્હારે જ હું !બે ચાર દિન, બે ચાર યુગ, હાવાં રજા દેવી ઘટે !
Comentarios
Cargando comentarios…