વિધવા બ્હેન બાબાંને

કલાપીનો કેકારવ

વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું!મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું!

મૃત્યુ થાતાં રટન કરવું ઇષ્ટનું એ ય લ્હાણું!આશા રાખી મરણ પછી ને જીવવું એ ય લ્હાણું!

સંબન્ધીના મરણ પછી ના સર્વ સંબન્ધ તૂટે,બ્હેની! આંહી વિરહ જ ખરો ચિર સંબન્ધ ભાસે;તે પ્રેમી જે પ્રણયમયતા જોઈ મ્હાણે વિયોગે,મીઠું કિન્તુ ક્ષણિક જ નકી સ્વપ્ન સંયોગ તો છે.

છે વૈવિધ્ય વધુ વિમલતા, બ્હેન! સૌભાગ્ય કૈં;છે ભક્તિમાં વધુ વિમલતા, બ્હેન! શૃંગારથી કૈં;બાબાં ત્હારા મૃદુ હ્રદયને ઓપ વૈધવ્ય આપી,ઊંચે ઊંચે તુજ દિલ જશે લેઈ ધીમે ઉપાડી.

ના બોલું આ તુજ હ્રદયનાં અશ્રુ હું લૂછવાને,શાને લૂછું હ્રદયશુચિતા આંસુડાં દાખવે જે?વ્હાલી બાબાં! કુદરતકૃતિ સર્વદા હેતુવાળી,ઇચ્છે દેવા અનુભવ પ્રભુ સર્વને સર્વ વ્હાલી!

બાપુ! આ સૌ સુખ દુઃખ તણી વેઠ નાખી નથી કૈં,આ તો બોજો કુદરત તણો માત્ર કલ્યાણકારી;આ પ્હાડો જે પથિક સહુને આવતા માર્ગમાં ત્યાંચક્ષુવાળાં શ્રમિત ન બને કિન્તુ સૌન્દર્ય જોતાં.

આ કુંડાળું કુદરત તણું કોઈ કોઈ જોઈ શકે, તોના ના જોશે કંઈ વિષમતા કિન્તુ સીધાઈ લીસી;ટૂંકી દૃષ્ટિ જનહ્રદયની અલ્પ ખંડો જ જોતી,ને તેથી આ સુઘડ સરણી દિસતી ડાઘવાળી.

બાબાં! જોને નયન ભરીને આંસુથી એક વાર!બાબાં! જોને સુપ્રભ રચના વિશ્વની એક વાર!વ્હાલા સાથે નિરખતી હતી આજ જો એકલી તું,બાબાં! ખુલ્લું હ્રદય કરી જો, એ જ ઇચ્છયું હરિનું.

જોને, બાપુ! તુજ જિગરનો મિત્ર તો ત્યાં વિલાસે,ત્હારો ચ્હેરો ગત હ્રદય એ ત્યાં ય ઊભું વિમાસે!એ રેલાયું ઉદધિ સઘળે કિન્તુ તું બિન્દુ તેનું,આડું આવ્યું પડ નયનને ત્હોય એ વારિ ત્હારૂં.

બ્હેની! આવાં પડ પછી પડો આવતાં જાય આડાં,અન્તે ગાઢાં પડ ચીરી દઈ પાર જાતાં સહુ ત્યાં;તું ને મ્હારી પ્રિય સખી ત્યજી હું ય જાઉં કદાપિ,એવું એ કૈં શુભ જ કરવા ઈશ ઇચ્છે કદાપિ.

રે! તો સાથે તમ હ્રદયનાં ગાળજો અશ્રુ બન્ને,જે બાકી તે ભણી લઈ તમે આવજો સાથ બન્ને;બાબાં! તું એ શીખીશ ફરી આ પાઠ ઔદાર્યનો, નેમ્હારી ભોળી પ્રિય અબુધને દોરજે આ જ માર્ગે.

Comentarios

Cargando comentarios…