વિરહસ્મરણ

કલાપીનો કેકારવ

દેશેદેશો નવીન નિરખી ઘૂમતો’તો પ્રિયે! હું,ત્યાં ત્હોયે હા! વિરહભડકે દાઝતો’તો પ્રિયે હું;ન્હોતું જ્યારે તુજ છબી શું ને શાન્ત રોઈ થવાનું,ન્હોતું કાંઈ વિરહભડકો બૂઝવી નાખવાનું.

ક્યારે એ જો વિસરી દુઃખ હું લેશ આનન્દ લેતો,ત્યારે વ્હાલી દ્વિગુણ દુઃખમાં ડૂબતો હું ફરી તો;‘હું આવો શે અનુભવી શકું હર્ષ પ્યારી રડે ને!’હૈયું મ્હારું સળગી ઊઠતું કાંઈ એવા વિચારે.

જૂદાં થાતાં મુખ તુજ હતું ગ્લાનિપૂરે છવાયું,સ્વપ્નામાં એ નિરખું છબી તો આંસુડાં ઢાળતો હું;હૈયામાં એ ચિતરી કદી હું હાસ્ય ત્હારું શક્યો ના,રોતો હું ને રડતી પ્રિય તું એ જ ચિત્રો હતાં ત્યાં.

મીઠાં ત્હારાં નયન દિલના લક્ષ્યમાં એક ધારી –જોતો હું જ્યાં નિમિષ તજીને ચન્દ્રનું બિમ્બ પ્યારી!આલેખાતું તુજ મુખ તહીં ધ્રૂજતા ઓષ્ઠવાળું,ને એ ત્હારું શરીર દૂબળું શોકઓઘે છવાયું!

રોપાતો ત્યાં વિનિમિત થઈ શોક મ્હારે દિલે હા!રોતી તું ને મુખ મુજ બધું ભીંજવી અશ્રુ દેતાં;એ આંસુ કે વિરહઉદધિ ઊછળી ઊછળીને–અત્યારે એ વિગત દુઃખમાં ડૂબવી દે મને છે.

અત્યારે એ હૃદય ગળતાં અશ્રુની ધાર વ્હેતાં,ભીંજ્યા ત્હારાં કમલ સરખાં નેત્રના લાલ ખૂણા;ત્હોયે પ્યારી! મધુર સ્મિત છે સ્નિગ્ધ ઓષ્ઠે છવાયું,ને હા! વ્હાલી! વપુ તુજ દિસે હર્ષના ઘેનવાળું.

ઓળંગી તું ઉદધિ દુઃખનો ત્યાં નિહાળી રહે છે,મ્હાલે છે તું સુખઅનિલમાં હાસ્ય તેથી કરે છે;વ્હાલી! આવા સરલ હૃદયે પ્રેમ જે દાખવે તું –તેના સામે નિરખી શકું હું એ જ સામર્થ્ય યાચું!

Comentarios

Cargando comentarios…