વેચાઉ ક્યાં ?

કલાપીનો કેકારવ

વેચાઉં ક્યાં બીજે હવે, આવી અહીં બોલો ? જરા !બોલો જરા ! શાને તમારી આંખમાં ઇન્કાર આ ?

બોલો : વસીશું ક્યાં જઈ, છોડી તમારા મ્હેલને ?આકાશમાં ના, ના જહાંમાં, ના કબરમાં છે જગા !

આવું તમારી પાસ દૂરેથી ખરીદી સાંભળી;ક્હેનાર જૂઠા હોય તો, બીજો કહો છે રાહ ક્યાં ?

આલમ ખરીદો છો બધી, પૂરી મુરાદો સૌ કરે;આ ચાહનારાં સૌ તમારાં ! એકલો શું હું જ ના ?

દરબારમાં દાખલ કરી દરબારમાંથી શું કાઢશો ?જોઈ તમોને રૂબરૂ, હાવાં બુતો પૂજું ક્યહાં ?

આપો હુકમ, રજ તે જગાની આંખનો સુરમો કરૂં;આવ્યો અહીં લેઈ ગુલામી બાદશાહી વેચવા.

ઊભો રહી અંગારમાં: એને હિના મ્હારી ગણું;દાઝું જરી તો રોકશો ના પળ - ઘડી એ દ્વારમાં.

શાને ફજેતી આ કરાવો છો તમારા માલની ?વેચાઇ છું ચૂક્યો, હરાજીમાં ઉતારો કાં ભલા ?

જે જે તમારૂં, તે ઉપરના હાથ મૂકે કોઈ એ:શું ખલ્કના વેચાણમાં મ્હારી ખરીદી ક્યાંઈ ના?

મ્હોં કાં ઝુકાવ્યું ? ફેરવ્યું ! કાં આંખ ના ઉંચી કરો ?છે બોલતાં એ શી શરમ ? આ હુકમ, આપો છો રજા ?

બોલો ! જવાનું તો કહું ! એ બે શુકન તો સાંભળું !મિસ્કીનને એથી સબુરી ! શી બખીલી બોલતાં ?

બોલો નહીં ! હું ના ખસું ! છોને જમાના વીતતા !વેચાણની માગી તમારા શી જમાનાની તમા ?

Comentarios

Cargando comentarios…