વૈરાગ્ય
કલાપીનો કેકારવ
દરદ પર કરે છે ઔષધી કાંઈ કાર,જરૂર જરૂર એ તો પૂર્વનું ઓળખાણ;પ્રણયી જિગર અર્પે ત્યાં ય કૈં વ્હાલ ઊંડું,હ્રદય સતત ઘૂમે એમ ખેંચાણ જૂનું.
અમુક અમુક તત્ત્વો વિશ્વમાં સૌ જનોમાં,પ્રતિ જન હ્રદયે કો એક ધારા વહે છે;પૃથિવી પર વસે તે એક છે માનવી આ,અવયવ જન સર્વે માત્ર તેના જ ભાસે.
મુજ રસ પણ ચાલ્યો એ જ ધારા મહીં, હા!મધુર મધુર લાગ્યું ઐક્ય એ માનવીમાં;અગણિત લઈ બિન્દુ ધોધ તે ચાલતો'તો,મળી ભળી ગળી હુંએ બિન્દુ તેનું બન્યો'તો.
પણ રસ વહી જાતાં ક્ષારને સ્પર્શતાં, ત્યાંઅતિ કટુ સહુ થાતાં કૈં જ વેળા ન લાગી;ક્યમ ગતિ પલટી આ? કૈં જ હું જાણતો ના!ભ્રમિત ઉર થયું હા! વેદના તીવ્ર જાગી!
દરદ પર કરે ના ઔષધી કાંઈ કાર,નથી નથી કંઈ મ્હારે પૂર્વનું ઓળખાણ;હ્રદય મુજ થયાં તે સ્વપ્નમાં સૌ થયાં'તાં!વિખરી સહુ ગયાં એ સ્વપ્ન ઉડી જતામાં!
નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં,હ્રદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે!જગત સહ મળે છે ચર્મ ને હાડકાં આ!રહી જગ તણી ગ્રન્થિ માત્ર આ સ્થૂલ સાથે.
પ્રથમ નઝર લાગી, ભવ્યતા કંઈ જાગી,મુજ નયન મહીંથી સ્નેહની સેર ચાલી;વિપુલ વિશદ લાગી સ્નિગ્ધ વાત્સલ્યવાળીકુદરત વહતી આ ઐક્યનો તાર ઝાલી.
ફુદડી ઉડતી ત્યાં એ હર્ષની છોળ ઊડી,રમતમય વિહંગ કાંઈ લાવણ્ય લાગ્યું;તરુ પર ઢળનારી પુષ્પિતા એ લતાની,નસ નસ મહીં માન્યું પ્રેમાઔદાર્યલ્હાણું.
નહિ નહિ પણ એવી વિશ્વની આર્દ્ર વૃત્તિ,ઘડમથલ અહીં સૌ જીવનાર્થે મચેલી;પ્રણય, રતિ, દયા કે સ્નેહ ને ભ્રાતૃભાવ,અરર! નહિ સહુ એ સ્વાર્થના શું વિભાગ?
જનહ્રદય પરેથી મોહ ઊઠી ગયો'તો,અરર! કુદરતેથી એ જ ખારાશ આવી;પલપલ નયનોથી આંસુડાં સારતો'તો,અરર! જિગરમાંથી રક્તની નીક ચાલી.
કદિ કદિ દિલ રોતું કોઈને જોઈ રોતું;કદિ કદિ દિલ મ્હારૂં છેક પાષાણ થાતું;નિરખી નિરખી આવું, વિશ્વ રોઉં કદી હું,નિરખી જગ કદી આ હાસ્યમાં ડૂબતો હું.
પવન સુસવી વ્હેતો કોઈ ખંડેર માંહીં,હ્રદય ત્યમ હસે છે - હર્ષ તો કૈં જ છે ના.હિમજલ ટપકે છે વૃક્ષની ડાળીઓથી,રુદન ત્યમ કરૂં છું - દર્દ તો કૈં જ છે ના.
કદિ મન ગમતું એ - કોણ જાણે હસું કાં?કદિ મન ગમતું એ - કોણ જાણે રડું કાં?મુજ હ્રદય મહીં છે દૂર કો મર્મસ્થાન,સુખદુઃખ વિણ તે તો છેક વૈરાગ્યવાન.
હાસ્ય છે માત્ર ઘેલાઈ, રોવું તે નબળાઈ છે;વિશ્વની મિષ્ટતા કિન્તુ, રે રે! ત્યાં જ સમાઈ છે.
Comentarios
Cargando comentarios…