શંકાશીલ

કલાપીનો કેકારવ

ચીરો પડ્યો હૃદયની મુજ આરસીમાં,જેમાં સખીવદનનું પ્રતિબિમ્બ ઠેર્યું;રે ! એ છબી ય વિરહે કટકા બની બેબે ભાગમાં ત્રુટિત ચમ્પકની કલી શી !

શું સત્ય એ પ્રણયદર્શન સ્વપ્નનું, કેઆ આરસી તૂટી ગયેલ તૂટ્યું જ દેખે ?ચીરાય છે હૃદય એ સખીનું અધિકું,કે ફાટ આ જિગરની અધિકી બને છે ?

અન્ધાર છે વિકટ: જ્ઞાન રહ્યું નથી કૈં,જે પ્રેમથી ઉદય પ્રેમથી અસ્ત પામ્યું !જેવી ઉઠે વીજળી વાદળી સાથ કિન્તુએ મેઘનો જ અતિયોગ થતાં છુપાતી !

છાતી તણું શયન પાથરતો હતો, નેજે કાજ અંગ મુજનું કરતો અશીશું,તે એ ન આજ મુજ સાદ સુણી ઉઠે આ,કે નાદનું ગગન વાહક ના બને છે ?

ઉન્માદથી નયન અન્ધ નથી થયાં આ,ફાટી પડ્યા ન હૃદયે અથવા વિકારો;છે દર્દ તો સમય કૈં નહિ શૂન્યતાનો,ત્હોયે વિચાર ગતિ કેમ કરી શકે ના ?

છે લોભ કીર્તિ, સુખ વા યશનો ન કાંઈ,છે લેશ એ વિષયની રજ ના અરીસે;છે કાંઈ કોઈ મુખનું, પણ તે ન હાવાં,છે લોભ તો દઈ ચૂક્યો સઘળી સલામી.

રે ક્રોધ ! એ ઝનૂન રાક્ષસનું બિચારૂં :ક્યારે હતું ? ક્યમ ગયું ? નવ તે ય જાણું !પ્હેલી ટકોર ઉરમાં અડતાં ખર્યું એ,ધારા પડી જલ તણી જ્યમ ચૂર્ણ થાય !

કંગાલને ન મદ તો ઘટતો કશો એ,ભિખારીને કદિ ય સમ્ભવતોય ના ના;એનાં સદા સહુ તીર બની જ બૂઠાંઆ આરસી ઉપર કાર કરી શક્યાં ના.

હા કામ ! એ કુસુમતીર સ્મૃતિ મહીં છે,એના ગુલાબમય કંટક્ના વ્રણો આ;હા દેવ કામ ! મૃદુ યૌવનની પતાકા,તે કૈં હશે, નવ હશે, ઉરફાટ માંહીં.

એ લાગણી ઉપર ર્‌હેમ જરા ઘટે છે,જે છાયમાં વિષય અન્ય ઉડી જતા સૌ;જે એક પ્યારશરણે જ સદૈવ ખેલેસ્વાભાવિકી શી ઉપભોગની યોગ્યતા ત્યાં !

એ કામનીય પણ ભસ્મ તણી ય મૂર્તિના છે રહી હૃદયમાં રતિ કાજ હાવાં;એ દંશનું વિષ બધું ઉતર્યું દિસે છે,ઘેરાય આ નયન તો પણ કેમ આવાં !

સૌન્દર્યપૂજન ઉરે અધિકાર પામ્યું -તે ભાવ દૃષ્ટિ પણ છેક સરી પડે છે !છે કાલની કરવતી સઘળે ઘસાઈ,તૂટી ગયેલ પણ નિર્મલ આરસી આ.

માશૂકની પ્રતિકૃતિ પણ કેમ આવી ?જેવી દિસે કૂદી રહેલ ઝરે તૂટેલી !શું ઝાંઝવાં જલ અને જલ ઝાંઝવાં છેકે આ તુરંગ તરસ્યું તરફડે બિચારૂં ?

કે 'સ્વચ્છતા તણી કણી પણ સ્વચ્છ જોતી',એ વેણ શું પ્રભુ તણું લલચાવવાને ?!કે આરસી ઉપર અશ્રુ હજી પડ્યાં તેલૂછી સુકી કરી ભુકી કરવી પડે શું ?

કે સત્ત્વ માનવી તણું વિષયો જ સર્વે,જે તોડતાં સહુ ય જીવન સાથ તૂટે ?

કે શું અપકવ ફલ મેં ઉચકી લીધું છે -જેથી ન બીજ બન્યું છાલ થકી નિરાળું ?

કે શું અનન્ત યુગની મુજ આરસી આજાણી શકી ન હજુ વિશ્વ તણી ગતિ કૈં ?હું આ અહીં પવનવેગ વતી ઉડું તેછે પાત કે પ્રિય ભણી ચડવું હશે આ !

મ્હારૂં હજુ રણ વધુ વધુ શુષ્ક થાતું,જાણે ફરી જીવિત પત્થરમાં વહે આ !છે વિશ્વમાં સહુય એક ભણી ગતિમાં,તો મોક્ષ, જ્ઞાન, સહુ પત્થરમૂર્તિઓ શું !

માશૂક ધૂળ ! પછી આશક ધૂળ પહેલો !શું પ્રેમપક્ષી બસ એક જ પાંખવાળું ?શું ધૂળ ધૂળ મહીં ધૂળ થકી ઉડે આ ?શું સ્વાર્પણો, પ્રણય, ધૂળ તણાં જ નામો ?

મ્હારી સખી હજુય અક્ષર ઉચ્ચરે ના !શંકા તણી કસૂર માફ કરી શકે ના !હાવાં ન સાદ પણ કંઠથી નીકળે આ !એ ક્યાં હશે સમય માશૂક જ્યાં પુકારે !

ગ્રીષ્મે મયૂર ટહુક્યે નવ મેઘ આવે !માશૂકને નહિ જ આશકનું કશું એ !ચીરાય છે હૃદય એ સખીનું અધિકું;કે ફાટ આ જિગરની અધિકી બને છે ?

Comentarios

Cargando comentarios…