શાન્ત પ્રેમ
કલાપીનો કેકારવ
નવું આજે કાંઈ તુજ મુખ પરે ને હ્રદયમાં,નવી રીતે કાંઈ મુજ ઉપર દૃષ્ટિ ઢળી પડે,અહો! બાલુશિરે તુજ કર ફરે તે પણ નવો,નવાં ગાત્રો એ થઈ નવીન રસમાં આજ પલળે.
બની માતા આજે ગૃહિણી તુજનું આ દિલ વહે,અહા! એ વાત્સલ્યે તુજ હ્રદય આજે ગરક છે;ફુલેલી છાતીમાં સુખની મગરૂરી છલકતી,સુખી તું જેવું કો જગત પર ના અન્ય ગણતી!
સુખી તું છે સુખી! મધુર સુખ આમી ન તુજને;અને બાલુ સામે નિરખતી સદા જોઉં તુજને;ગૃહિણી દેવી તું દિલની મમ માતા પણ થજે,અહો! કેવું મીઠું પ્રણય સહ વાત્સલ્ય ભળશે?
સુએ બાલુ ત્હારા કદલી સરખા આ પદ પરેઅને ત્યારે જેવાં નયન તુજ તેને નિરખતાં,સખિ! હું યાચું તે નયન તુજનો એક જ રસ,સુઉં છું હું જ્યારે તુજ પદ પરે શિર ધરીને.
મને વ્હાલાં લાગે ચપલ દૃગથી શાન્ત નયનો,પતિ હુંને ના ના, પણ હ્રદયનો મિત્ર ગણવો.મને બન્ધુ, વ્હાલો, પિયુ, તુજ પિતા, પુત્ર ગણજેઅને એ ભાવોથી મમ હ્રદયનો આ રસ પીજે.
નકી દૈવી રીતે હ્રદય પ્રણયીનો રસ પીતું,ખરા સ્નેહે જ્યારે શરીરસુખ સૌ ગૌણ બનતું;વસે સ્વર્ગે તે ના અધિક કંઈ આવા પ્રણયથીઅને સ્વર્ગે તેથી પ્રણયી દિલનું ઇચ્છિત નહીં!
Comentarios
Cargando comentarios…