શિકારીને
કલાપીનો કેકારવ
રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન ! તું;ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું.
પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ;ઘટે ના ક્રૂર દૃષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું.
તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;તીરથી પક્ષી તો ના ના કિન્તુ સ્થૂલ મળી શકે.
પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે ત્હને.
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે;સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
સૌન્દર્યે ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે;પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.
રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તુંબધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું !
Comentarios
Cargando comentarios…