સનમની યારી
કલાપીનો કેકારવ
યારી કરૂં ત્હારી ? કરૂં યા ના ? સનમ!કોઈ ખુવારીથી ડરૂં યા ના ! સનમ !
તુજ તાજ કાંટાનો ઉપાડી લે, સનમ !ખૂને ઝરે કૈં આલમો, ત્યારે, સનમ !
છે સોઈ તુંને કે નહીં દિલદારની ?તુંને નઝર આ દિલ કરૂં યા ના ? સનમ !
કોઈ દીવાનો મસ્ત હો, લાચાર હો,તેને રજા દરબારમાં યા ના ? સનમ !
મારે ટકોરે દ્વાર ખુલ્લે કે નહી,ત્હારી પુકારૂં શેરિયે યા ના ? સનમ !
છે શોખ મિજમાનો ફકીરોનો ન યા ?કૈં ઝિદ કરૂં દરવાનથી યા ના ? સનમ !
તકલીફની પરવા ન પીવા આવતાં,હાથે મગર તું પાય છે યા ના ? સનમ !
લાખો જવાહિરો જહાં તુંને ધરે,રાની કરૂં ત્યાં ગુલ રજુ યા ના ? સનમ !
જ્યાં લાખ ચશ્મો ચૂમતાં ત્હારા કદમ,ત્યાં ભેટવા દોડું ત્હને યા ના ? સનમ !
નાલાયકી ને બેવકૂફી યારની,ત્યાં તું શરાબીમાં ભળે યા ના ? સનમ !
શાહી ફકીરીથી ભળી જાણી નહીં,દિલ ત્હોય ચાહે ચાહવું યા ના ! સનમ !
જોઈએ ત્હને ચશ્મે ઝરે છે ખૂન તેત્હારી હિનામાં રેડવું યા ના ? સનમ !
તું છે બધું, હું કાંઈ એ છું ના , મગરયારી કરૂં ત્હારી ? કરૂં યા ના ? સનમ !
Comentarios
Cargando comentarios…