સનમની શોધ

કલાપીનો કેકારવ

પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ!ઉમ્મર ગુઝારી ઢૂંઢતાં તુંને, સનમ!

છે દુશ્મન લાખો ભુલાવા રાહને,દુશ્મન બનાવી યાર અંજાયો, સનમ!

ગફલત મહીં હું, ઝાલિમો કાબિલ એ;જુદાઈ યારોની મઝા એને, સનમ!

જે રાહદારીમાં અમોને લૂંટતું,ઉમેદ બર આવો નહીં એની, સનમ!

તારી મદદ કોને હશે, માલૂમ નહીં;શું યારના દુશ્મન સહે યારી? સનમ!

પાંચે નમાઝે ઝૂકતાં ત્હારે કદમ,આડા ફરે છે બેખુદાઓ એ, સનમ!

છો દમબદમ ખંજર રમે ત્હારું દિલે;કાફર તણું કાતિલ ખેંચી લે, સનમ!

તું માફ કર, દિલદાર ! દેવાદાર છું !છે માફ દેવાદારને મ્હારા, સનમ!

કાંઈ નઝરબક્ષી થવી લાઝિમ ત્હને;ગુઝરાનનો ટૂકડો ઘટે દેવો, સનમ!

પેદા થઈને ના ચૂમી ત્હારી હિના;પેદા થયો છું મોતમાં જાણે, સનમ!

શાને કસે છે મુફત આ લાચારને?દાવો સુનાનો છે હમારો ના, સનમ!

પત્થર બની પેદા થયો છું પ્હાડમાં,છું ચાહનારો એ ય તુંથી છું, સનમ!

Comentarios

Cargando comentarios…