સારસી
કલાપીનો કેકારવ
શાર્દૂલવિક્રીડિત
મીઠા દીર્ઘ ધ્વનિ વતી વન બધું હર્ષે ભરે કોકિલા,ઝીણી વાંસળી શા સ્વરો સુખભર્યા ચંડોળ આલાપતાં;
ખિસ્કોલી તરુના મહાન વિટપે ઝૂકી રહી ત્યાં કૂદે,ને રંગીન શુકો ઘણા મધુરવાં આકાશ ઊડી રહે!
અનુષ્ટુપ
આવી આનન્દવેળાએ બિચારું કોણ આ દુઃખી?હશે એ પ્રેમનું માર્યું હૈયું કોઈ રહ્યું તપી!
હરિગીત
ગંભીર નાદ કરતી સરિતા વહે છે,સિંચી જલે પુલિન શીતલ એ કરે છે;ત્યાં દીન સારસી ઉભી જલપૂર નેત્રે,સૂની, અરે! શિર નમાવી રહી રડે એ!
અનુષ્ટુપ
અહોહો! પાંખ પ્રીતિની તેની તૂટી ગઈ દીસે,આવું આ પક્ષી, તેને એ આવી પીડા ખરી! અરે!
મંદાક્રાંતા
રે રે! તેનો પ્રિયતમ તહીં પાદ પાસે પડ્યો છે,પ્હોળી પાંખો શિથિલ બની છે મૃત્યુનો હસ્ત લાગ્યે;પારાધીએ હૃદય પર હા! તીર માર્યો દીસે છે,ખૂંચ્યો છે ત્યાં રુધિર વહતું બંધ હાવાં થયું છે.
અનુષ્ટુપ
જીવવું જીવ લેઈને આંહી એવી દીસે રીતિ!કોઈને દુઃખ દેવાથી તૃપ્તિ કેમ હશે થતી?
હરિગીત
મૂકી ગયો ક્યમ શિકાર હશે શિકારી?આવી હશે દિલ દયા કંઈ સારસીની?બચ્ચાં અને પતિપ્રિયા તણી એ ઘડીનીનાસ્યો હશે હૃદય ચીરતી ચીસ સુણી!
અનુષ્ટુપ
ગાળે છે પ્રેમનાં અશ્રુ વજ્ર જેવા ય દિલને,કો’ વેળા પારધીને એ પ્રેમનો દંશ લાગતો.
મંદાક્રાંતા
આવું આવું નિરખી દિલમાં કાંઈ કેવુંય થાય,કેવો છે રે રુદનમય આ ક્રૂર દેખાવ હાય!ન્હાનાં બચ્ચાં ટળવળી રહી માત સામું જુવે છે,ને પંપાળે નિજ જનકના કંઠને ચંચુથી એ.
અનુષ્ટુપ
હજુ તો ખેલવા પૂરું શીખ્યાં નથી આ બાલુડાં,રે! તે શું મૃત્યુને જાણે ભોળાં આ લઘુ પંખીડા!
માલિની
દુઃખ સહુ ઊડી જાશે કાલ આ બાલકોનાં,રમતગમત માંહી હર્ષ લેશે ફરી આ;
પણ ઝૂરી મરશે રે સારસી બાપડી તો,જખમ નહિ રુઝાશે પ્રેમનો કારી લાગ્યો.
અનુષ્ટુપપ્રેમીએ પ્રેમી જાતાં કો’ બીજાથી પ્રેમ જોડવો,આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે’ મળે ખરો?
અનુષ્ટુપજોડવી એક જોડીને બે કો ખંડિત થાય તો,બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.
શિખરિણીઅઢેલી બાઝીને તરુ રાહ રહે ખીલતી લતા,દઈ પુષ્પો પ્રેમે લઈ રસ જીવે છે પ્રણયમાં;સુખી આવા દહાડા સરકી કંઈ જાતા રમતમાં,અને એ વેલીને મરણપડદામાં લઈ જતા.
શિખરિણીમરેલી વેલીનું સ્મરણ નવ ભૂલે તરુ કદી,અને પ્રેમી ગાળે દિવસ દુઃખના કૈં રડી રડી;પરન્તુ ચાંપે છે હૃદય પર બીજી લઈ લતા,અને પ્રેમે રેડે મધુર રસ તેના હૃદયમાં.
શિખરિણીધીમે ધીમે આવું તરુ થઈ જઈ વૃદ્ધ મરતું,અને વેલી વેલી રુદન કરતી કૈં દુઃખભર્યું;છતાં ટેકો બીજા તરુ પર લઈને ય જીવતી,અને આપી પુષ્પો જીવિત નિજ તે પૂર્ણ કરતી.
અનુષ્ટુપન કિન્તુ સારસી આ તો આવો માર્ગ કદી ગ્રહે,એકને દિલ અર્પ્યું તે બીજા કો’નું નહીં બને.પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈએ નથી,કારણ પ્રીતિનું પ્રીતિ: પ્રેમીને લક્ષ્મી તે બધી.
માલિનીઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને;રસ દઈ લઈ લીધો ઈશ્વરે છીનવી તો,હૃદયહીણ બિચારાં પ્રેમીને મૃત્યુ આપો.
અનુષ્ટુપપ્રેમીનો હોય બેલી કો’ તો આનું કૈંક થવું ઘટે,પામે છે ત્રાસ મ્હારો તો આત્મા આ દુઃખ જોઈને.
હરિગીતત્યાં કાંઈ આ વન મહીં હિલચાલ થાય,પક્ષી બધાં ઊડી ઊડી અહીં શાં તણાય!
સર્પો, હરિણ, સસલાં, સહુ દોડી આવે,લાંબો ધ્વનિ ભયભર્યો શ્રવણે પડે છે.
અનુષ્ટુપ
ઉલ્કાપાત થયો કાંઈ હશે આ વનની મહીં,પ્રતીતિ થાય છે એવી જોઈ આ ગતિ સૌ તણી.
હરિગીત
હા! અગ્નિ ત્યાં સળગી ઘાસ પ્રજાળતો રે,વૃક્ષો તણાં કુંપળ બાળી ઉડાડતો તે;ભૂખ્યો ધસી જીવ અનેક ગળી જતો તે,દિશા બધી ઘૂમવતી છવરાવી દે છે!
અનુષ્ટુપ
વ્હાલો છે જીવ પોતાનો વ્હાલાંથી ય વધુ! અરે!ન્હાસે છે સિંહ પેલો ત્યાં સૂતી સિંહણને છોડીને.
માલિની
પણ અડગ સમાધિ સારસીની ન છૂટે,મરણશરણ જાવું હર્ષ તેને દીસે છે;ભડ ભડ ભડ થાતી અગ્નિની ઝાળ આવી,બળી મરી પ્રિય સાથે સારસી પ્રેમઘેલી.
અનુષ્ટુપ
દર્દીના દર્દની પીડા વિધિને ય દીસે ખરી,અરે! તો દર્દ કાં દે છે? ને દે ઔષધ કાં પછી?
૧૬-૪-૧૮૯૫
Comentarios
Cargando comentarios…