સુકાની શબ્દ

કલાપીનો કેકારવ

'ત્હને ચાહું છું?' એ કદિ પવ પડ્યા શબ્દ શ્રવણે,હવે એ શબ્દોના હૃદય ભણકારા મુજ સુણે;કહેતી આંખો તે ક્યમ પ્રિય મુખે ત્હેં નવ કહ્યું?અરે! તેને માટે તૃષિત ઉર આ છેવટ રહ્યું!

ત્હને પૂછ્યું વ્હાલી! બહુ વખત એ એક જ હતું,'ન ચાહે કે ચાહે?' ફરી ફરી રહ્યું એ જ કથવું!પ્રિયે! આ નૌકાને નવ ગતિ તણી કોઇ જ દિશા,સુકાની શબ્દો તે મુજ જિગરથી દૂર જ વસ્યા.

'ન ચાહે કે ચાહે?' મુજ અધરનું એ ફરકવું,સદા ત્હારા કુણા પુલકિત કપોલે સરક્તું;

સુણી મીઠું લેવા ટમટમી રહેતું હૃદય આ,કદી તો તેના મેં મધુર ભણકારા ય કલ્પ્યા.

છતાં એ સ્વપ્ને તો, અરર! કદિ ના સત્ય નિવડ્યું,હવે તો તે સાચું તુજ નયનનું એ ક્યમ ગણું?હવે તો ના જૂઠું મુજ જીવિતને એ ક્યમ કહું?ગણી મીઠી આશા હજુ પણ ઉરે હું ક્યમ ધરૂં?

કહે 'ચાહું છું', ને જગત સઘળું સત્ય બનશે,હજારો જન્મોની મુજ હૃદય આશા ય ધડશે;કહે 'ના ચાહું છું', કુદરત પછી જોઇશ ના,ઉખેડી સૌ શ્રધ્ધા નયન મુજ હું ફોડીશ પછી.

તરે ના તે હોડી જલધિતળિયે છો ડૂબી જતી,ભલે જાતાં તેના તૂતક શઢ વારિમય બની;પછી ક્યાં તું શોધે જગત પર જે ના કદિ મળે?પછી એ શબ્દો છો મુજ જિગરથી દૂર જ રહે!

કણું આ આંખોનું કુદરત ન દેતું નિરખવા,છતાં કૈં સૃષ્ટિનાં મુજ નયન આડાં પડ રહ્યાં;ત્યજીને એ 'ચાહું', તુજ અધર ના વ્યર્થ વદશે,કણું તો કાઢી લે, મુજ નયન જો કે ન ઠરશે.

પછી ડૂબન્તાં એ નહિ મરૂં સુકાની વગર હું,બધાંનું તે મ્હારૂં, પછી નહિ જ ધોખો પણ ધરૂં;ભલે આ નૌકાને ખડક પર મ્હોટા મરડજે,અરે! તે શબ્દોથી પણ હજુ સુકાની થઇ જજે.

Comentarios

Cargando comentarios…