સુખમય સ્વપ્ન
કલાપીનો કેકારવ
સુખમય શમણું છો કોઈ આયુષ્ય માને,અધિક અધિક યત્ને ફાવતું કો જણાયે;પણ પ્રતિ દિલનાં છે કાંઈ જુદાં જ તત્ત્વો,જખમી જખમ શોધે, વૈદ્ય ત્યાં શું બિચારો?!
નથી નથી દુઃખ કાંઈ, ભાઈ! છે કૈં ન ચિન્તા!પણ નથી મુજ તત્ત્વો, વિશ્વથી મેળ ખાતાં;સુખમય પણ સ્વપ્નું, સ્વપ્નમાં મોહ શાનો?!જરી વધુ ચિર, બાપુ! હોય તો કૈં બતાવો.
સુખમય શમણું એ પૂર્ણ છે ક્યાં ય દીઠું?સુખમય સ્થળ દીઠું? ચાલને! ત્યાં જ ર્ હેશું!નથી નથી નથી દીઠું! દેખશે ના કદી એ!વળી સુખમય કાંઈ શોધવું વ્યર્થ લાગે.
પ્રિયમુખ પ્રિય લાગે, આખરે ત્યાં ય રોવું,પ્રિયવિરહ થવાનું જાણતું કો ન ટાણું;અપ્રિય, પ્રિય ત્યજીને જીવતાં મૃત્યુ લેખું,કંઈ સુખી બનવાને, શોધતાં એ જ લાધ્યું.
નહિ ઉડી શકશે આ સુસ્તની સુસ્તી આવી,રુદન નહિ ત્યજાશે, હાસ્યના ત્યાગ પ્હેલાં;
ભળીશ નહિ જનોથી, મિત્ર, સ્ત્રી, બાલકોથી,જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.
પોષી ના શકે હૈયું, કિન્તુ, રે! માત્ર પુસ્તકો;અને, આ વિશ્વમાં બીજે, ક્યાં એ સ્વાદ નથી રહ્યો.
Comentarios
Cargando comentarios…