સ્નેહશંકા
કલાપીનો કેકારવ
ઘણું તાવ્યું-ઘણું ટપક્યું-બિચારું મીણનું હૈડું;દ્રવ્યા કરશે હજી એ તો બિચારું પ્રેમનું પ્યાલું!
ન થા ન્યારી : ન થા ઘેલી : ન થા વ્હેમી : ન થા મેલી!કરી મ્હારું હૃદય ત્હારૂં હવે શંકા પ્રિયે, શાની?
કદી દિલને ન દે દિલ તું : દીધું દિલ તો ન લે તે તું;હૃદયનું સત્વ પીધું તેં ;હૃદયહીણો કરે તો શું?
કહે ને પ્રાણ, દિલમાં ક્યાં રહી તુજને હજી શંકા ?કાપી દઉં તે નાખી હું : ન છે તેની મને પરવા!
કાંટો જે તને લાગે મને ભાલો તે ભોંકાયે;હૃદયચીરે રૂધિર રાતું વહે છે તે તપાસી લે !
હૈયું હનુમાનનું ચીર્યું, નિહાળી રામની મૂર્તિ;હૃદય મારૂં અરીસો છે ઉઘાડી તું ભલે જો તે!૯-૧-’૧૮૯૩
Comentarios
Cargando comentarios…