હદ

કલાપીનો કેકારવ

મુનાસિબ બસ હવે કરવું, નઝર હદ આ અહીં આવે;પડ્યું ખંજર ન પાછું લે, ઝુકાવ્યું આ ન દિલ ઝૂકે.

ન કર ઘા; ઘા થશે ઊંધો! ખુદા લેશે ખૂનીનું ખૂન!અને બદનામીનો ભારો ઉપાડે, યાર! શે ત્હારો?

સિતમગર! તું સિતમની જો નકી હદ આવી છે આ આ!નહીં તો ઝુલ્મ સ્હેનારૂં ચડે તોફાનમાં દિલ ના.

ખુદાનો ખોફ કૈં રાખી, શરમ કૈં આંખની રાખી,હવે ફેરાવવો બસ કર અરે શયતાનનો ચરખો.

કર્યું છે દમ બ દમ નમવું શરૂ મેં જ્યારથી કદમેઅરે કાતિલ આ ત્હારૂં ઉપાડ્યું ત્યારથી તેં તેં!

ખુદાને જે કદમ ઝૂકે કદમ ત્હારે ઝૂક્યું શિર તે!મગર કૈં ખ્યાલ તેનો ના! હવે હદ આવી પ્હોંચી છે.

ન ધર હદ ઉપરે પગલું, તહીં આતશ જળે હરદમકબૂતર દિસતું તે તો બને છે શેર ત્યાં, ઝાલિમ!

જફામાં શીદને જાવું? કર્યો તે ઝુલ્મ ભૂલી જો,તને પેદા કરી તે તે ખુદાનો હું ય છું બન્દો.

ન ધર હદ ઉપરે પગલું, તહીં ના ઝુલ્મ આ ચાલે,સિતમગર શિરે ત્યાં તો સિતમ હરગિઝ ફાવે છે!

તહીંની ખાકમાં શાને થવાને ખાક તું ચાહે?અરે! ઇન્સાન થા યા તું ખુશીથી સ્વાદ જા એ લે!

Comentarios

Cargando comentarios…