હમારા રાહ

કલાપીનો કેકારવ

કટાયેલું અને બૂઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું;કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હૃદય મ્હારૂં !

ગમીના જામ પી હરદમ ધરી, માશૂક ! તને ગરદન;ન ખંજરથી કર્યા ટુકડા ! ન જામે ઇશ્ક પાયો વા !

પછી બસ મસ્ત દિલ કીધું, ઉઘાડી ચશ્મ મેં જોયું;સિતમગર ત્હોય તું મ્હારો ખરો ઉસ્તાદ છે પ્યારો!

ગુલો મેં બાગનાં તોડી દીધાં સૌ ધૂળમાં ચોળી;બિછાનું ખારનું કીધું, ઉપર લોટી રહ્યો તે હું!

મુબારક હો ત્હમોને આ ત્હમારા ઇશ્કના રસ્તા;હમારો રાહ ન્યારો છે, ત્હમોને જે ન ફાવ્યો તે!

ત્હમારા માર્ગમાં મજનૂં અને લૈલી શીરીં ફરહાદ -ચીરાયેલાં કપાયેલાં પડ્યાં છે લોહીથી ભીનાં!

ગુલામો કાયદાના છો ! ભલા એ કાયદો કોનો?ગુલામોને કહું હું શું? હમારા રાહ ન્યારા છે !

મને ઘેલો કહી, લોકો ! હજારો નામ આપો છો !હમો મનસૂરના ચેલા ખુદાથી ખેલ કરનારા !

નહીં જાહોજલાલીના, નહીં કીર્તિ, ન ઉલ્ફતના–હમે લોભી છીએ, ના ! ના ! હમારા રાહ ન્યારા છે!

ત્હમારી બેવફાઈના, હરામી ને હલાલીના–ચીરી પડદા હમે ન્યારા ! હમારા રાહ છે ન્યારા !

હમે મગરૂર મસ્તાના ! બિયાબાંમાં રઝળનારા !ખરા મહબૂબ સિંહો ત્યાં ! હમારા રાહ છે ન્યારા !

કુરંગો જ્યાં કૂદે ભોળાં, પરિન્દાનાં ઊડે ટોળાં,કબૂતર ઘૂઘવે છે જ્યાં, હમારા મ્હેલ ઊભા ત્યાં !

લવે છે બેત નદીઓ જ્યાં, ગઝલ દરખત રહ્યાં ગાતાં,હમે ત્યાં નાચતા નાગા ! હમારા રાહ છે ન્યારા !

ત્હમારા કૃષ્ણ ને મોહમદ, ત્હમારા માઘ, કાલિદાસ,બિરાદર એ બધા મ્હારા ! હમારા રાહ છે ન્યારા !

હતાં મ્હેતો અને મીરાં ખરાં ઈલ્મી ખરાં શૂરાં;હમારા કાફલામાં એ મુસાફર બે હતા પૂરાં !

પૂજારી એ હમારાં, ને હમો તો પૂજતા તેને,હમારાં એ હતાં માશૂક, હમો તેના હતા દિલબર!

ત્હમારા રાજ્યદ્વારોના ખૂની ભપકા નથી ગમતા;મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખઝાના જ્યાં!

હમો તમને નથી અડતા, હમોને છેડશો કો’ ના!લગાવી હૂલ હૈયે મેં નિચોવી પ્રેમ દીધો છે !

હવાઈ મ્હેલના વાસી હમે એકાન્ત દુઃખવાદી !હમોને શોખ મરવાનો ! હમારો રાહ છે ન્યારો !

ખુમારીમાં જ મસ્તી છે ! તમે ના સ્વાદ ચાખ્યો એ:હમોને તો જગત ખારું થઈ ચૂક્યું, થઈ ચૂક્યું!

Comentarios

Cargando comentarios…