હમારી ગુનેહગારી

કલાપીનો કેકારવ

અરે ! તે બાગમાં તું પર નઝર મેં ફક્ત કીધી'તી,જિગરમાં આહ દીધી મ્હેં, ગુનેહગારી હમારી એ !

કરે સૌ તે હમે કીધું, ન જોયેલું હમે જોયું !મગર એ આહને માટે ગુનેહગારી હમારી છે !

હતી ત્યાં ગુલછડી, દિલબર ! હતી તેની કળી ખીલી;ઝૂકી ચૂંટી કહ્યું, 'લેજે,' ગુનેહગારી હમારી એ !

કળી દેતાં જિગર દીધું ! ગમીનું જામ પી લીધું !તૂટી દિલની લગામો એ, ગુનેહગારી હમારી એ !

'ખુદાની બંદગીમાં કર મને શામિલ તું, દિલબર !કહ્યું મેં તે ન સુણ્યું તેં ! ગુનેહગારી હમારી એ !

લવ્યો બે ઇશ્કના બોલો ! અધૂરું કાંઈ તું બોલી !ગણ્યો મેં ઇશ્ક એ બોલે, ગુનેહગારી હમારી એ !

'અયે દિલદાર ! તું દિલમાં ગુલોને રાખનારી છે !”હમે એ સૌ કહ્યું જૂઠું ! ગુનેહગારી હમારી એ !

ખુદા જાણે ગઈ તું ક્યાં ! ખુદા જાણે ભમ્યો હું ક્યાં !જૂઠી આશા ધરી હૈયે, ગુનેહગારી હમારી એ !

કરી પેદા તમે આશા હમે તેની બન્યા ક્યામત !અરે એ ખૂનને માટે, ગુનેહગારી હમારી એ !

ગુન્હા લાખો મહીં છું હું ! મગર તુંને કર્યું છે શું ?હવે એ પૂછવું તે યે ગુનેહગારી હમારી છે !

સજા હું ભોગવું છું હા ! સબબ વિણ રોઉં છું કો દી !સજા એ વેઠવામાં યે ગુનેહગરી હમારી છે !

ગુન્હામાં જે ગુનેહગારી સજામાં તે ગુનેહગારી !સજાથી છૂટશે ક્યારે ગુનેહગારી હમારી એ !

હવે આ ગીત ગાઉં છું ! હવાને હું સુણાવું છું !દીવાનાની દીવાનાઈ ગુનેહગારી હમારી છે !

દીવાનો તો કર્યો છે તેં ! કર્યો આ ગીત ગાતો તેં !ગુનેહગારી ત્હમારી એ ગુનેહગારી હમારી છે !

ખુદા પાસે કહું છું કે 'ગુન્હા ત્હારા હમારા હો !'ગુનેહગારી સનમની એ ગુનેહગારી હમારી છે !

હમારૂં સૌ ત્હમારૂં છે ! ત્હમારૂં સૌ ત્હમારૂં હો !મગર ત્હારી ગુનેહગારી ગુનેહગારી હમારી હો !

Comentarios

Cargando comentarios…