હમારી પીછાન

કલાપીનો કેકારવ

હમે જોગી બધા વરવા, સ્માશાનો ઢુંઢનારાઓ;તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ !

જહાં જેને કરી મુર્દું કબરમાં મોકલી દેતી,હમે એ કાનમાં જાદુ હમારું ફૂંકનારાઓ !

જહાંથી જે થયું બાતલ, અહીં તે છે થયું શામિલ;હમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ !

જહીં જખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા;બધાંનાં ઈશ્કનાં દર્દો બધાંયે વ્હોરનારાઓ !

હમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી;ન વાંચે કોઈ યા વાંચે : ન પરવા રાખનરાઓ !

ગરજ જો ઈશ્કબાજીની, હમોને પૂછતા આવો;બધાં ખાલી ફિતૂરથી તો, સદાયે ન્હાસનારાઓ !

જહીં સ્પર્ધા તણી જગની દખલ ન પ્હોંચતી ત્યાં ત્યાં,જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ !

ગમે તે બેહયાઈ ને દઈ માથું ધરી ખોળે;હમે આરામમાં ક્યાંયે સુખેથી ઊંઘનારાઓ !

સનમની બેવફાઈથી નથી સુખ કાંઈ એ ડરતાં;હમે જાણ્યું, હમે માણ્યું, ફિકરને ફેંકનારાઓ !

જખમથી જે ડરી ર્'હેતાં વગર જખમે જખમ સ્હેતાં;હમે તો ખાઈને જખમો ખૂબી ત્યાં મનનારાઓ !

બની ઉસ્તાદ આવો તો થશો આંહી તમે ચેલા;મગર મુરશિદ કરો તો તો હમે ચેલા થનારાઓ !

અમારાં આંસુથી આંસુ મિલાવો, આપશું ચાવી;પછી ખંજર ભલે દેતાં : નહીં ગણકારનાઓ !

Comentarios

Cargando comentarios…