હ્રદયપ્યાલું

કલાપીનો કેકારવ

હ્રદયનું આ ભરી પાતાં ત્હને પ્યાલું ડરૂં કાંઈ !ધરૂં છું ત્હોય પાવાને ! ધરૂં કે ના ? ડરૂં કાંઈ !

ખુમારીમાં સદા રોતાં મ્હને તો સ્વાદ છે આવ્યો :મગર એ આગને પીતાં બળે હૈયું, ડરૂં કાંઈ!

પ્રિયે ! ફોરૂં જરી પીતા બગીચા લાખ ખીલે છે;મગર કાંટા ભરી વાડો, ત્હને લેતાં, ડરૂં કાંઈ !

હ્રદયનું તોડતાં તાળું, મજા તો ખૂબ ઊંડી છે;મગર ઉંડાણમાં તુંને કઈ જાતાં, ડરૂં કાંઈ!

રડું છું હું, હસે છે તું, ઘટેના ભેદ એ પ્રેમે;પરન્તુ તોડતાં એવી જુદાઈ હું ડરૂં કાંઈ !

બને તો તું હસાવીને સુખે દિલ ફેરવી આ લે;કહું છું ત્હોય કે હસતાં હવે તો હું ડરૂં કાંઈ!

ત્હને રોતી કરૂં તે તો બનાવું તો બને તેવું;હસે તેને રડાવું કાં ? કરૂં સાથી ? ડરૂં કાંઈ !

હસે તું તે વિસામો કૈં હતો - તે હાલ ક્યાં હાવાં?વિસામાની નહીં આશા, કહેતાં એ ડરૂં કાંઈ !

છતાં આશાભરી પ્રીતિ; ન કાંપ્યાલું ત્હને પાવું ?ઉરે આશા ધરૂં ના કાં ? ધરૂં કે ના ? ડરૂં કાંઈ ?

Comentarios

Cargando comentarios…